Site icon Time News

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં જળબંબાકાર, સ્કૂલમાં ઘૂંટણસમા પાણી ભરાયા

 સુરત મહાનગરપાલિકા (SMC) ની નબળી પ્રિ-મોન્સૂન કામગીરીને કારણે આજે પડેલા પોણા ત્રણ ઈંચ વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર થઈ ગયું છે. વરસાદ રોકાયાના ત્રણ કલાક બાદ પણ પર્વત પાટિયા અને પર્વત ગામની સરસ્વતી સ્કૂલ જેવા વિસ્તારો ઘૂંટણસમા પાણી ભરાયા હતા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી નિર્દોષ વિદ્યાર્થીઓ ભારે હાલાકી વેઠીને સ્કૂલે જવા મજબૂર બન્યા છે. દર વર્ષે દાવાઓ કરવા છતાં સમસ્યા યથાવત રહેતા પ્રશાસન સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે ઉધના-સચિન વિસ્તારમાં ખાડા પૂરવા ગયેલું મનપાનું ડમ્પર પોતે જ કાદવમાં ફસાઈ ગયું હતું.

સુરત જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર પ્રથમ વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કીમ ગામે ભારે વરસાદના કારણે સ્થાનિક અંબાજી મંદિર પરિસરમાં આવેલા મહાદેવ મંદિરનું શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પ્રશાસન દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરત શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. કોસંબા , કીમ, કડોદરા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કડોદરાની શ્રી નિવાસ સોસાયટી વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા હતા. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તેમાં પણ નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ભારે પરેશાન થઈ રહી છે. જો કે પાલિકા કર્મચારી ન આવ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે અને જાતે જ લોકો ગટરના ઢાંકણા ખોલી પાણી કાઢવા રસ્તા શોધવા લાગ્યા હતા. 

સુરત જિલ્લામાં કીમ ચાર રસ્તા પાસે પાણી ભરાયા હતા. પાલોદ ગામ પંચાયત અંતર્ગત આ વિસ્તાર આવે છે. ભારે વરસાદના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાતા વાહનોના અડધા ટાયર અને દુકાનના શટર પણ પાણીમાં ગરકાવ થયા. આ સાથે જ કિમ ગામમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હતા. કૈલાશ સોસાયટી, નવજીવન સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા.                                          

Exit mobile version