Site icon Time News

સુરતમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, મોટા વરાછામાં 400 મીટર રોડ ધસી પડ્યો

સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલ રાતથી વાતાવરણમાં આવેલા પલટા બાદ વાવાઝોડા જેવા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડી રાતથી સવાર સુધીમાં અંદાજે 2 ઇંચ અને સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં વધુ 2 ઇંચ વરસાદ નોંધાતા કુલ 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે ભારે પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા.

આ દરમિયાન મોટા વરાછા વિસ્તારમાં આવેલા હેવન રિવરફ્રન્ટ રોડ પર ચોંકાવનારી ઘટના સામે આવી હતી. થોડા સમય પહેલાં જ કરોડો રૂપિયાના ખર્ચે અહીં ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે, લાઇન નાખ્યા બાદ રોડના રિપેરીંગ અને પુરાણમાં બેદરકારી રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદ બાદ આખેઆખો લગભગ 400 મીટરનો રોડ ધસી પડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

રસ્તા પર એક કે બે નહીં પરંતુ આખી કાર સમાઈ જાય એટલા મોટા 4થી 5 ભયાનક ભુવાઓ પડી ગયા હતા. આ દરમિયાન એક કાર રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રોડ બેસી જતાં કારના આગળના બંને ટાયર ભુવામાં ફસાઈ ગયા હતા. કાર ચાલકે સમયસર બ્રેક મારી દેતાં કારમાં સવાર લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા અને મોટી જાનહાનિ ટળી હતી. જો વાહનની ઝડપ વધુ હોત અથવા ત્યાંથી કોઈ દ્વિચક્રી વાહન પસાર થતું હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત.કાર ફસાયા બાદ સ્થાનિક લોકો સ્થળ પર એકત્ર થયા ત્યારે જાણવા મળ્યું કે આખો 400 મીટરનો રોડ અંદરથી ખોખલો બની ગયો હતો. રસ્તાની નીચેની માટી ધોવાઈ જતાં માત્ર ઉપરનો ડામરનો પાતળો પડ જ બચ્યો હતો. આ દૃશ્યો જોઈ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા.

ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ભુવો પૂરવા માટે કપચી અને અન્ય સામગ્રી ભરેલી પાલિકાની ટ્રક મોકલવામાં આવી હતી. પરંતુ રોડની નબળી સ્થિતિના કારણે આ ટ્રક પણ આગળ વધતા વધુ એક ભુવામાં ફસાઈ ગઈ હતી. ભુવો પૂરવા આવેલી સરકારી ટ્રક જ ભુવામાં ધસી પડતાં પાલિકાની કામગીરીની ભારે ટીકા થઈ હતી. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી.

ત્યારબાદ પાલિકાએ તાત્કાલિક અસરથી આખો 400 મીટરનો રસ્તો બેરિકેડિંગ કરીને વાહનવ્યવહાર માટે બંધ કરી દીધો હતો. પોલીસ અને પાલિકાના કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. સાથે જ કાર અને ટ્રકને બહાર કાઢવા તેમજ રસ્તાના સમારકામ માટે ક્રેન, JCB અને અન્ય ભારે મશીનરી મોકલીને કામગીરી શરૂ કરવામાં આવી હતી.

Exit mobile version