Site icon Time News

સુરત સિવિલમાં તબીબોની કમાલ: બાળકના ગળામાંથી આરપાર નીકળેલો સળિયો સફળતાપૂર્વક બહાર કઢાયો, મળ્યું નવજીવન

ઊન પાટિયા વિસ્તારમાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં તિરુપતિ નગર નજીક આવેલી મહેમૂદિયા મદરેસાની બિલ્ડિંગની છત પર રમતી વખતે 11 વર્ષીય નાવીદ (નાઝિશ) વરસાદી પાણીમાં પગ લપસતાં નીચે પટકાયો હતો. તે બાજુમાં ચાલી રહેલા બાંધકામ સાઇટ પર પટકાતાં, ઊભા રખાયેલા પિલરનો લોખંડનો સળિયો તેના ગળાના પાછળના ભાગથી ઘૂસીને મોંમાંથી આરપાર નીકળી ગયો હતો.

સ્થાનિકોએ સ્થળ પર જ સળિયો કાપીને બાળકને ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. બાળકની આ સ્થિતિ જોઈ હોસ્પિટલ સ્ટાફ અને તબીબો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના ડો. નિલેશ કાછડિયા જણાવ્યા મુજબ, કેઝ્યુઅલ્ટીમાં પ્રાથમિક સારવાર અને સીટી સ્કેન બાદ દર્દીને સીધો ઓપરેશન થિયેટરમાં ખસેડાયો હતો. મોંમાં સળિયો હોવાથી એનેસ્થેસિયાની ટ્યુબ દાખલ કરવી સૌથી જટિલ પડકાર હતો. પરંતુ એનેસ્થેસિયાની ટીમે આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી.

અંદાજે એક કલાકથી વધુ ચાલેલા આ અત્યંત જોખમી ઓપરેશનમાં પ્લાસ્ટિક સર્જન ડો. નિલેશ કાછડિયા, ડો. પ્રકાશ પટેલ, ડો. દીપ શાહ, ડો. રીતિક જીવાણી, ડો. કૌશલ અને ઈએનટી સર્જનોની સંયુક્ત ટીમે ભારે સાવચેતીપૂર્વક સળિયો બહાર કાઢ્યો હતો.લોહીની કોઈ મોટી નળીને ગંભીર નુકસાન થયું ન હોવાથી બાળકની જાન બચી ગઈ હતી.ઈજા પામેલી લાળ ગ્રંથિ અને સ્નાયુઓનું રિપેરિંગ કરી બાળકને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રખાયો છે. સ્થિતિ સ્થિર થતાં તેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરાશે.

મજૂરી કામ કરતા બાળકના પિતા માટે ખાનગી હોસ્પિટલનો લાખોનો ખર્ચ અશક્ય હતો. રાજ્ય સરકારની યોજના હેઠળ નવી સિવિલ હોસ્પિટલમાં આ જટિલ સર્જરી વિનામૂલ્યે સફળતાપૂર્વક પાર પડતાં પરિવારે તબીબો અને સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Exit mobile version