
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અત્યંત મહત્વપૂર્ણ એવા જૂના સુભાષ બ્રિજને દૂર કરવાની અતિ જટિલ કામગીરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને એન્જિનિયરિંગ ટીમને મોટી સફળતા મળી છે. સાબરમતી નદીના પટમાં આવેલા બ્રિજના 3 મહાકાય સ્પાનનું ડિમોલિશન સફળતાપૂર્વક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર હાઈ-ટેક ઓપરેશન દરમિયાન તમામ સ્પાનને અત્યંત સાવચેતીપૂર્વક તોડીને ‘કન્ટ્રોલ્ડ ડિમોલિશન’ પદ્ધતિથી નિયંત્રિત રીતે નીચે નદીના પટમાં ઉતારવામાં આવ્યા હતા. આ મલ્ટી-સ્ટેજ કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે અકસ્માત સર્જાયો નથી, જે તંત્ર માટે મોટી રાહતના સમાચાર છે.
નદીના વહેણ અને આસપાસના સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને આ આખી પ્રક્રિયા અત્યંત પડકારજનક હતી. આ સમગ્ર ડિમોલિશન કામગીરી એન્જિનિયરિંગ અને સ્ટ્રક્ચરલ નિષ્ણાતોની સીધી દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરવામાં આવી હતી. સાઇટ પર ૨૪ કલાક સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. આ ઉપરાંત, ધૂળ અને કાટમાળના નિયંત્રણ સહિત ઇન્ટરનેશનલ સેફ્ટી સ્ટાન્ડર્ડના નિર્ધારિત સલામતી ધોરણો અને પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે કલાકો સુધી ચાલેલી આ પ્રક્રિયા કોઈપણ જોખમ વિના સંપન્ન થઈ હતી.ડિમોલિશન શરૂ કરતાં પહેલાં વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી. બ્રિજની આસપાસના સમગ્ર વિસ્તારને પતરાં અને લોખંડી બેરિકેડિંગ કરીને તદ્દન સીલ કરી દેવામાં આવ્યો હતો. આ આખા એરિયાને ‘નો એન્ટ્રી ઝોન’ એટલે કે પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો. જેથી સામાન્ય નાગરિકો કે વાહનચાલકો ત્યાં પહોંચી ન શકે. ક્રેન અને ભારે મશીનરી ઓપરેટ કરતી વખતે કામદારો અને સ્ટાફની સુરક્ષા માટે ખાસ સુપરવાઈઝર્સ તેનાત રાખવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આજની આ સફળ કામગીરી સાથે જૂના સુભાષ બ્રિજના કુલ ત્રણ અત્યંત મહત્ત્વના ગણાતા સ્પાન જમીનદોસ્ત કરી દેવાયા છે. બ્રિજ તૂટ્યા બાદ નદીના પટમાં ભેગા થયેલા વિશાળ ડેબ્રીઝ (કાટમાળ અને કોંક્રિટના ટુકડા)ને હટાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. જેથી નદીનું પર્યાવરણ જોખમાય નહીં. મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી તબક્કામાં પણ નિર્ધારિત ટાઈમલાઈન અને આયોજન મુજબ, સલામતીના તમામ કડક માપદંડોનું પાલન કરીને બ્રિજના બાકીના હિસ્સાને તોડવાની કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવશે.
