
આગામી 15 જૂનના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત થનાર LRD પરીક્ષામાં ઉમેદવારોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી 15 જૂને સવારે 9.30 થી 12.30 સુધી લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત કરેલી છે. જેમાં રાજ્યના અલગ-અલગ જીલ્લાઓમાંથી 2.48 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા આવનાર છે. આ સંદર્ભે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ તારીખ 14 જૂન અને તારીખ 15 જૂનના રોજ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ઉમેદવારોના ધસારાને ધ્યાને લઇ નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વિસિઝમાં ઓનલાઈન ટીકીટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. નિગમના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ http://gsrtc.in ઉપરથી તમામ ઉમેદવારો દ્વારા કાઉન્ટર બુકિંગ તથા એડવાન્સ ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે. ઉમેદવારો બસોના સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. 1800233666666 ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે.રાજ્યના કુલ 7 મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગરમાં પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જ્યાં અંદાજે 2.48 લાખ ઉમેદવારો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોની સુવિધા માટે વધારાની બસો મુકાવવાથી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં અને પરીક્ષા આપીને ઘર સુધી પહોંચવામાં સરળતા રહેશે.
