
અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેની એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપની સેમી ફાઈનલ મેચ ગૃહ અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
આ પ્રસંગે રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ ટૂર્નામેન્ટ દરમિયાન અમદાવાદ અને તેની આસપાસના શહેરોના રમતપ્રેમીઓએ જે અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો છે તે ખરેખર અદ્ભુત છે.
મેચ શરૂ થવાના એક-બે કલાક પહેલાં જ હજારોની સંખ્યામાં પ્રશંસકોથી સ્ટેડિયમ સંપૂર્ણપણે હાઉસફુલ થઈ જતું હતું, જે દર્શાવે છે કે ભારત અને ખાસ કરીને ગુજરાતના ખેલ જગતમાં એક નવો જ સકારાત્મક બદલાવ આવ્યો છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગઈકાલે જ્યારે તેઓ વૈશ્વિક સ્તરના અધિકારીઓને મળ્યા ત્યારે તમામ લોકોએ ગુજરાતના અદ્ભુત આતિથ્ય સત્કારની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
ભારતીય વોલીબોલ ટીમના પ્રદર્શન અંગે ગર્વ વ્યક્ત કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આપણી ટીમે આ આખી ટૂર્નામેન્ટમાં અસાધારણ અને શાનદાર રમતનું પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયા એક પણ મેચ હાર્યા વિના અત્યંત દબદબાભેર સેમિફાઇનલ સુધી પહોંચી હતી. જો કે, ફાઇનલ સેટની એકદમ રસાકસીભરી અને કાંટાની ટક્કરવાળી ક્ષણોમાં આપણી ટીમને નજીવા અંતરથી હારનો સામનો કરવો પડ્યો, પરંતુ મેદાન પર યુવા ખેલાડીઓએ જે લડાયક મિજાજ અને ખેલદિલી બતાવી છે તે દેશના કરોડો રમતપ્રેમીઓ માટે ગૌરવ સમાન છે.
આ ચેમ્પિયનશિપમાં ભારતના યુવા ખેલાડીઓએ બતાવેલી રમત દેશના અન્ય જુદા-જુદા રમતો સાથે જોડાયેલા યુવાનો માટે એક મોટો પ્રેરણાસ્રોત બનશે અને તેમનો પ્રોત્સાહન તેમજ મનોબળ મજબૂત કરશે. રમતગમત મંત્રીએ વોલીબોલ ટીમના તમામ ખેલાડીઓને દિલથી અભિનંદન પાઠવ્યા હતા અને પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ફાઇનલ સેટની આ હારથી નિરાશ થયા વગર, સેમિફાઇનલ સુધીની અજેય સફરના જુસ્સાને જાળવી રાખીને ભારતીય ટીમ આગામી દિવસોમાં વધુ મજબૂત પ્રદર્શન સાથે વર્લ્ડ કપની તૈયારીઓમાં જોરશોરથી લાગી જશે. તેમણે ઉમેર્યું કર્યું હતું કે, અમદાવાદ હવે વૈશ્વિક સ્તરે એક અગ્રણી સ્પોર્ટ્સ સિટી તરીકે ખૂબ જ મજબૂતીથી ઉભરી રહ્યું છે.
આ વૈશ્વિક ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે એશિયન વોલીબોલ કોન્ફેડરેશન (AVC)ના પ્રમુખ શ્રી રેમોન સુઝારા, કંટ્રોલ કમિટીના પ્રમુખ હ્યુજ ગ્રેહામ, ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશન (GSVA)ના પ્રમુખ શ્રી એન. જી. પટેલ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના શ્રી ધરમસિંહ દેસાઈ સહિતના પદાધિકારીઓ અને રમતગમત જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
…….
