
અમદાવાદ ખાતે 06-07 ફેબ્રુઆરી 2026ના રોજ સધર્ન કમાન્ડ ઇન્વેસ્ટિચર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભ દરમિયાન, લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ, PVSM, UYSM, AVSM, જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સધર્ન કમાન્ડે 34 વિશિષ્ટ કર્મચારીઓને બહાદુરી, શૌર્ય અને રાષ્ટ્ર પ્રત્યેની વિશિષ્ટ સેવા બદલ પુરસ્કારો એનાયત કર્યા હતા. તેત્રીસ યુનિટને પણ ઓપરેશનલ શ્રેષ્ઠતા, પ્રોફેશનલ સિદ્ધિ અને ઉત્કૃષ્ટ પરફોર્મન્સ બદલ “GOC-ઇન-C, સધર્ન કમાન્ડ યુનિટ પ્રશસ્તિપત્ર”થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમારંભની પ્રક્રિયામાં ભારતીય સેનાની સમૃદ્ધ પરંપરાઓ અને નૈતિકતાને ધ્યાનમાં રાખીને સૈન્ય કમાન્ડર માટે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર સામેલ હતું.
ઉપસ્થિતોને સંબોધન આપતા, સૈન્ય કમાન્ડરે ભારપૂર્વક કહ્યું હતું કે આ સમારંભ અસાધારણ હિંમત, પ્રોફેશનલિઝમ અને નિઃસ્વાર્થ સેવાને સ્વીકૃતિ આપે છે, સાથે-સાથે શહીદ નાયકોના સર્વોચ્ચ બલિદાન અને આપણા સેવાનિવૃત્ત સૈનિકોના કાયમી વારસામાંથી પ્રેરણા લે છે. તેમણે તાજેતરના ઓપરેશન્સ અને કવાયતો દરમિયાન સધર્ન કમાન્ડ દ્વારા દર્શાવવામાં આવેલી ઉચ્ચ ઓપરેશનલ તૈયારી, સંયુક્તતા અને મલ્ટી-ડોમેન ક્ષમતાને રેખાંકિત કરી હતી. તેમણે એકીકૃત ક્ષમતાને મજબૂત બનાવવા અને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી ઓપરેશનલ તૈયારી, ટેકનોલોજિકલ આધુનિકીકરણ અને ઇન્ટર-એજન્સી તાલમેલ પ્રત્યે નિરંતર પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી.
આ પ્રસંગે, સૈન્ય કમાન્ડરે વિશિષ્ટ સેવાનિવૃત્ત સૈનિકોને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ વેટરન અચિવર્સ પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. શસ્ત્રો અને સાધનોના ડિસ્પ્લેમાં પરિવર્તનના દાયકા હેઠળ સૈન્યના આધુનિકીકરણ અને ટેકનોલોજીના સમાવેશના પ્રયાસો સાથે સંરેખિત અત્યાધુનિક શસ્ત્રો, સાધનો અને સિસ્ટમોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ખૂબ જ ગૌરવ અને રાષ્ટ્રીય આદરથી ભરેલા આ સમારંભમાં વરિષ્ઠ મહાનુભાવો, સંરક્ષણ અધિકારીઓ, અતિથિ, વીર નારીઓ અને વીર માતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી હિંમત, શિસ્ત, બલિદાન અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યો મજબૂત બને છે.
