
લદ્દાખના સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની આજે ધરપકડ કરવામાં આવી છે. તેમના સામે આ કાર્યવાહી લેહ હિંસા બાદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કરવામાં આવી. તેમને જેલમાં સિફ્ટ કરવા અથવા અન્ય કોઈ કાર્યવાહી કરવી તેને લઈને હજુ નિર્ણય કરવામાં આવી રહ્યો છે. વાંગચુક સામે કેન્દ્ર શાસિત પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે પ્રદર્શનકર્તાઓને ઉકસાવવાનો આરોપ છે.
24 સપ્ટેમ્બર બુધવારના રોજ લેહમાં હિંસક પ્રદર્શન થયુ હતું. જેમાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે 90થી વધુ લોકો ઘાયલ થયા હતા. હિંસા બાદ લેહમાં કર્ફ્યુ લગાવામાં આવ્યું હતું. પોલીસ અને અર્ધલશ્કરી દળોએ કર્ફ્યુનો કડક અમલ કરાવ્યો હતો. અત્યાર સુધી 50થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.લેહ જિલ્લા મેજિસ્ટ્રેટે 2 દિવસ માટે સ્કુલ, કોલેજ, આંગણવાડી સહિત સ્કુલો બંધ કરવાનો આદેશ કર્યો હતો. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે કારગિલમાં પણ કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. ઉપરાજ્યપાલ કવિંદ્ર ગુપ્તાએ હાઈલેવલ સુરક્ષા બેઠક કરી અને હિંસાની ઘટનાને ષડયંત્ર બતાવી લોકોને સતર્ક રહેવાનો આદેશ કર્યો.
લેહ હિંસા બાદ ગૃહ મંત્રાલયે સોનમ વાંગચુક પર આરોપ લગાવ્યો કે તેમના ભડકાઉ ભાષણોએ ભીડને ઉકસાવી હતી. જેના કારણે વિરોધ પ્રદર્શન હિંસક બન્યા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર, વાંગચુકે અરબ સ્પ્રિંગ અને નેપાળના જનરલ-ઝેડ આંદોલનોનો ઉલ્લેખ કરીને યુવાનોને ઉશ્કેર્યા હતા, જેના કારણે લેહમાં ભાજપ કાર્યાલય અને કેટલાક સરકારી વાહનોમાં આગ લાગી હતી. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે 24 સપ્ટેમ્બરના રોજ સવારે 11:30 વાગ્યે વાંગચુકના ભાષણ પછી, ભીડે તેમના ભૂખ હડતાળ સ્થળ છોડી દીધું અને લેહમાં ભાજપ કાર્યાલય અને સીઈસી કાર્યાલય પર હુમલો કર્યો.
તમને જણાવી દઈએ કે પ્રદર્શન કરી રહેલા લોકોની મુખ્ય માંગ લદ્દાખને રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસુચીમાં શામેલ કરવામાં આવે.
આ પણ વાંચો, MiG-21ની વાયુસેનામાંથી સેવાનિવૃત્તિ, અનેક યુદ્ધમાં દુશ્મનોને કર્યા ભોંય ભેગા
