
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત મુલાકાતે અમદાવાદ પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે SG હાઈવેના નવીનીકરણ, ટ્રાફિક વ્યવસ્થા અને શહેરની કાયદો-વ્યવસ્થા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં ટ્રાફિક વિભાગ, પોલીસ તંત્ર અને NHAIના અધિકારીઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં SG હાઈવે પર વધતી ટ્રાફિક સમસ્યાઓ અને રોજિંદા જામની પરિસ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. ગૃહમંત્રી અમિત શાહે ટ્રાફિકને વધુ સ્મુથ બનાવવા અને મુખ્ય જંકશનો પર જામની સ્થિતિ ટાળવા માટે અધિકારીઓને તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા સૂચના આપી હતી.
ખાસ કરીને નિર્માણાધીન બ્રિજોની આસપાસ બનાવાયેલા ડાયવર્ઝન વિસ્તારોમાં સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. તેમણે NHAIના અધિકારીઓને કામની ગતિ વધારવા અને નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે રીતે કામગીરી કરવાની કડક સૂચના આપી હતી.બેઠક દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનરે શહેરના ક્રાઈમ રેટ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા માટે અમિત શાહે પોલીસ તંત્રને વધુ સતર્ક રહેવા અને ટેકનોલોજી આધારિત મોનિટરિંગ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.
ગૃહમંત્રીની મુલાકાતને પગલે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે SG હાઈવે પર ટ્રાફિક સુવિધા સુધારવા અને ક્રાઈમ કંટ્રોલ માટે આગામી સમયમાં વિશેષ અભિયાન હાથ ધરાશે.
