
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ અને ફેરબદલ ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. તાજેતરમાં જ પીએમ મોદીએ કેન્દ્રીય સચિવો સાથે એક મહત્ત્વની બેઠક યોજીને તમામ વિભાગોનું રિપોર્ટ કાર્ડ મેળવ્યું હતું અને આગળનો રોડમેપ તૈયાર કર્યો હતો. આ બેઠકને આગામી મંત્રીમંડળ વિસ્તરણની તૈયારીઓ સાથે જોડીને જોવામાં આવી રહી છે.
મોદી સરકારમાં હાલમાં પ્રધાનમંત્રી સહિત કુલ 72 મંત્રીઓ છે, જ્યારે લોકસભાના સંખ્યાબળના આધારે મહત્તમ 81 મંત્રીઓ રાખી શકાય છે. આ રીતે 9 મંત્રી પદ પહેલેથી જ ખાલી છે. આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયને રાજીનામું આપી દીધું છે અને અન્ય એક મંત્રી રવનીત સિંહ બિટ્ટુ પણ ટૂંક સમયમાં પદ છોડી શકે છે, કારણ કે બંનેનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. તેમજ કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીને ઉત્તર પ્રદેશ અને હર્ષ મલ્હોત્રાને દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હોવાથી તેમની કેબિનેટમાંથી છુટ્ટી થઈ શકે છે. આ તમામ સંજોગો જોતાં હાલમાં 10 જેટલા મંત્રી પદ ખાલી છે.
ક્યારે થઈ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદના ચોમાસુ સત્ર પહેલા 5 જુલાઈએ અથવા તો પીએમ મોદી તેમના 3 દેશોના પ્રવાસેથી 11 જુલાઈએ પરત ફરે તે પછી ગમે ત્યારે આ મંત્રીમંડળનું વિસ્તરણ અને ફેરબદલ થઈ શકે છે. ખરાબ પર્ફોર્મન્સ ધરાવતા કેટલાક મંત્રીઓની આ વિસ્તરણમાં બાદબાકી પણ થઈ શકે છે.
આ વખતે કેબિનેટ વિસ્તરણમાં વિપક્ષી પક્ષોમાંથી બળવો કરીને આવેલા સાંસદો મોટો ફેક્ટર સાબિત થશે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 20 બાગી સાંસદો NDAના સમર્થનમાં આવ્યા હોવાથી તેઓ નીતિશ કુમાર કે ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી કરતાં પણ મોટો સહયોગી જૂથ બન્યા છે, જેથી તેમાંથી કોઈને મંત્રી પદ મળી શકે છે. આ સિવાય આમ આદમી પાર્ટી (AAP) અને શિવસેના (UBT)માંથી આવેલા બાગી સાંસદોને કારણે એકનાથ શિંદેની શિવસેનાનું કદ વધ્યું છે (હવે 13 સાંસદો), જેના કારણે શિંદે જૂથનો મંત્રીમંડળમાં કોટા વધી શકે છે.
આગામી વર્ષે દેશના 7 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ, મણિપુર, ગુજરાત અને હિમાચલ પ્રદેશ સામેલ છે. પંજાબ અને હિમાચલ સિવાયના તમામ રાજ્યોમાં ભાજપની સરકાર છે. આ ચૂંટણી રાજ્યોના રાજકીય અને પ્રાદેશિક સમીકરણોને સાધવા માટે કેન્દ્રીય મંત્રીમંડળમાં આ રાજ્યોનું પ્રતિનિધિત્વ વધારવામાં આવી શકે છે.
