Site icon Time News

ગુજરાતમાં  છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નોંધાયો

રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યું છે અને છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે વાપીમાં માત્ર બે કલાકમાં 4.13 ઈંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે-48 પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં નવસારીમાં સૌથી વધુ 4.53 ઈંચ વરસાદ નોંધાયો હતો. જલાલપોરમાં 3.50 ઈંચ, કામરેજમાં 3.46 ઈંચ, સાવરકુંડલામાં 3.11 ઈંચ અને વલસાડમાં 3.03 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત સુરત શહેરમાં 2.80 ઈંચ, ધરમપુરમાં 2.76 ઈંચ, પારડીમાં 2.40 ઈંચ, અંકલેશ્વરમાં 2.32 ઈંચ, ઓલપાડમાં 2.32 ઈંચ, વાપીમાં 2.20 ઈંચ, ચીખલીમાં 2.05 ઈંચ અને પલસાણામાં 1.93 ઈંચ વરસાદ નોંધાયો હતો.

સવારે 6થી 8 વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં રાજ્યના 27 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન વાપીમાં સૌથી વધુ 4.13 ઈંચ વરસાદ નોંધાતા ચલા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના ગરનાળા પાણીમાં ગરકાવ થઈ જતા સલામતીના ભાગરૂપે રેલવે અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં અનેક વાહનો બંધ પડી ગયા હતા.

ભારે વરસાદના કારણે વાપી નજીક નેશનલ હાઈવે-48 પર ટ્રાફિકની લાંબી કતારો લાગી હતી. વલસાડથી વાપી તરફ જતા વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા.

વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. વલસાડ શહેર, તિથલ રોડ, હાલર રોડ અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતાં મોગરાવાડી ગરનાળું બંધ કરવું પડ્યું હતું. છીપવાડા ગરનાળામાં પાણી ભરાતા આશરે 40 ગામોના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. ઉમરગામમાં અંદાજે 2 ઈંચ, પારડીમાં 1.6 ઈંચ અને વલસાડમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો હતો. વાપી, પારડી, કપરાડા, નાનાપોન્ડા અને ઉમરગામમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભરૂચ જિલ્લામાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો હતો. ભરૂચના ગ્રામ્ય વિસ્તારો તેમજ આમોદ રોડ વિસ્તારમાં સવારથી વરસાદ વરસ્યો હતો.સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. દમણ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને આગામી કલાકોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. ગીર સોમનાથના વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. અગાઉ ઉનામાં 1.34 ઈંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ પોરબંદર બાદ જૂનાગઢ શહેરમાં પણ સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

Exit mobile version