Site icon Time News

ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત

ઉત્તરાખંડમાં આજે બે અલગ-અલગ સ્થળોએ સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતોએ ચકચાર મચાવી દીધી છે. ઋષિકેશ નજીક મુસાફરોથી ભરેલી બસ પુલ પરથી અંદાજે 100 મીટર ઊંડી ખીણમાં ખાબકતાં 6 લોકોનાં મોત થયા હતા જ્યારે રુદ્રપ્રયાગમાં જાનૈયાઓથી ભરેલી બોલેરો કાર ખીણમાં પડતાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે. બંને દુર્ઘટનાઓમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઉત્તરાખંડના ઋષિકેશના ગૂલર બજાર નજીક મુસાફરોથી ભરેલી બસ ભયાનક અકસ્માતનો ભોગ બની. આજે વહેલી સવારે પુલ પરથી પસાર થઈ રહેલી બસ અચાનક બેકાબૂ બની અને અંદાજે 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં અત્યાર સુધી 6 લોકોનાં મોત થયાના અહેવાલ છે, જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોમાં 3 વર્ષની બાળકી સહિત 13 લોકોની ઓળખ થઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બસમાં 30થી 35 જેટલા મુસાફરો સવાર હતા. અકસ્માતની જાણ થતાં જ SDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં આશરે 20 ઈજાગ્રસ્તોને સુરક્ષિત બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. ખીણમાં હજુ પણ કોઈ મુસાફર ફસાયો છે કે કેમ તે જાણવા રેસ્ક્યૂ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.  બસ હરિદ્વારથી ચમોલીના જોશીમઠ જઈ રહી હતી. તે દરમિયાન કાબૂ ગુમાવતા બસ પુલ પરથી નીચે નાની નદીમાં ખાબકી ગઈ. આ વિશ્વનાથ સેવા સંસ્થાની બસ હતી.

બીજી તરફ રુદ્રપ્રયાગમાં પણ ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. તો આ તરફ રુદ્રપ્રયાગમાં જાનૈયાઓથી ભરેલી બોલેરો કાર બેકાબૂ બની ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોમાંથી ચારની હાલત અત્યંત ગંભીર છે. જેમને વધુ સારવાર માટે શ્રીનગરની હાયર સેન્ટર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. બીજી તરફ, અકસ્માતની જાણ થતાં જ પોલીસ, SDRF અને DDRFની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. રેસ્ક્યૂ ટીમોએ આખી રાત બચાવ કામગીરી ચલાવી ખીણમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢ્યા હતા. દરમિયાન કેદારનાથનાં ધારાસભ્ય આશા નૌટિયાલે પણ ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લઈ ઘાયલોની સ્થિતિ જાણી હતી. આ દુર્ઘટનાને પગલે પરિવારોમાં શોકનો માહોલ છવાયો હતો. 

Exit mobile version