
બે મહિના…માત્ર બે જ મહિના પહેલાં જેમના લગ્ન થયા હતા…જે પોતાના ગરબા ક્લાસ પૂરા કરીને પતિની સાથે જ હસતા મુખે અલગ વાહન પર ઘરે પરત ફરી રહી હતી…તેને શું ખબર કે કાળમુખો કાતિલ રસ્તામાં જ તેની મોત બનીને ઊભો છે!…નવ પરિણિતાનું મોત થયું…પતિનો આક્રંદ કરતો વીડિયો વાયરલ થયો અને પોલીસ હરકતમાં આવી…ત્યારે કોણ છે રફતારનો રાક્ષસ…
સોશિયલ મીડિયા પર પતિના હૈયાફાટ રૂદન અને ન્યાયની આજીજીવાળો વીડિયો વાયરલ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું…અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને બોપલ પોલીસની ટીમોએ ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે કડક તપાસ હાથ ધરી હતી…આખરે પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અને રાજસ્થાનના ડુંગરપુર ભાગી છૂટેલા આરોપી સુનિલ પરમારને ઝડપી પાડ્યો છે…સોશિયલ મીડિયા પર એક પીડિત પતિની વેદનાએ આખરે ખાખીને હચમચાવી દીધી અને આરોપીને સળિયા પાછળ ધકેલી દીધો છે…
શીલજ કેનાલ રોડ પર 12 સપ્ટેમ્બરની રાત્રે પૂરઝડપે દોડતા બાઈક ચાલક સુનિલ પરમારે એક્ટિવા સવાર 29 વર્ષીય નિશીબેનને ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું…આ ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ કઠણ કાળજાના માણસને પણ ધ્રુજાવી મૂકે તેવા છે…
બોપલમાં રહેતો હાર્દિક દરજી પોતે કોરિયોગ્રાફર છે અને હાલમાં સાયન્સ સિટીમાં ગરબા ક્લાસ ચલાવે છે…બે મહિના પહેલા જ લગ્નગ્રંથીએ જોડાયેલા હાર્દિક અને પત્ની નિશિ ગરબા ક્લાસમાં ગયા હતા…જ્યાંથી રાત્રે બંને અલગ અલગ વાહનોમાં ઘરે પરત ફરી રહ્યા હતા…બંને શીલજમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ પૂરઝડપે આવેલા પલ્સર બાઈકના ચાલકે રોકેટ ગતિએ નિશિના વાહનનો ટક્કર મારતા 10 ફૂટ ઢસડાઈ અને ઘટનાસ્થળે જ મોત નિપજ્યું…હચમચાવી નાખતી અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
અકસ્માત બાદ આરોપીને માથા અને પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેથી આસપાસના લોકોએ એમ્બ્યુલન્સને જાણ કરતા 108 દ્વારા આરોપીને સોલા સિવિલ લઈ જવાયો હતો…જ્યાં આરોપી ભાનમાં આવતા પોલીસના ડરથી હોસ્પિટલથી મિત્રના ઘરે જતો રહ્યો હતો અને ત્યાંથી બસમાં બેસી ડુંગરપુર પહોંચ્યો હતો.
જે કે આ કેસમાં અકસ્માતના 4 દિવસ બાદ પણ આરોપી ન પકડાતા વિધુર પતિએ સોશિયલ મીડિયામાં આજીજી કરતો વીડિયો વાયરલ કર્યો અને તે બાદ પોલીસ તંત્રએ રાત દિવસ એક કરીને આરોપીને દબોચી લીધો…
રસ્તા પર સ્ટંટબાજી કરનારા અને સ્પીડના નામે રાક્ષસી ઝડપે વાહન દોડાવનારા નરાધમો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે…તમારી થોડીક સેકન્ડની મજા કે બેદરકારી…કોઈકના ઘર માટે કાયમી માતમ બની જાય છે…આ કિલર બાઈકરની એક ક્ષણની રોકેટ સ્પીડે બે મહિના પહેલાં જ બંધાયેલા એક પવિત્ર અને હસતા-રમતા સંસારના લીરેલીરા ઉડાવી દીધા…આરોપી તો જેલ ભેગો થઈ ગયો છે, પણ આ બેફામ વાહન હંકાવનારા ક્યારે સુધરશે? જેમના પાપે અનેક હસતા-રમતા પરિવારો પળવારમાં વિખૂટા પડી જાય છે અને માસૂમોનો ભોગ લેવાય છે.
