Site icon Time News

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે: કોંગ્રેસમાં જોડાવા અંગે અમિત ચાવડાનો સૌથી મોટો ખુલાસો

ગુજરાતના રાજકારણમાં એક મોટા ધમાકાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આગામી દિવસોમાં પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે ફરી એકવાર કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી લીલીઝંડી મળ્યા બાદ જ આ અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં શંકરસિંહ વાઘેલાએ પોતાના જૂથના ધારાસભ્યો સાથે કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો હતો અને પક્ષને મોટો ફટકો પહોંચાડ્યો હતો. હવે લગભગ 9 વર્ષના લાંબા ગાળા બાદ તેઓ ફરીથી કોંગ્રેસનો હાથ ઝાલવા તૈયાર થયા છે, જેને લઈને રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ જોડાણ મામલે નિવેદન આપતા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ખુલાસો કર્યો છે કે, શંકરસિંહ અને કોંગ્રેસ વચ્ચે જોડાણ અંગે સકારાત્મક વાતચીત ચાલી રહી છે. અમિત ચાવડાના જણાવ્યા અનુસાર, દેશ અને ગુજરાતમાં હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે તથા ભાજપની તાનાશાહીથી ત્રસ્ત થઈને ઘણા નેતાઓ કોંગ્રેસ સાથે જોડાવા માટે આગળ આવી રહ્યા છે. તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, વોટ ચોરી, હિન્દુત્વના નામે રાજકારણ અને ચંદા ચોરી કરનારી ભાજપ સામે લડવા માટે કોંગ્રેસ જ માત્ર વિકલ્પ છે. શંકરસિંહ વાઘેલા હંમેશા ભાજપ અને નરેન્દ્ર મોદી સામે ખુલ્લેઆમ બોલતા રહ્યા છે. આવનારા દિવસોમાં ભાજપ સામે તમામ વિરોધી તાકાતો એક થશે અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં જનતાની અપેક્ષાઓ પ્રમાણે પરિણામ લાવશે. વાઘેલાની પાર્ટીના વિલીનીકરણ અંગે અમિત ચાવડાએ સ્પષ્ટ કર્યું કે તે અંગેનો આખરી જવાબ શંકરસિંહ પોતે જ આપશે.

બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભા પક્ષના દંડક કિરીટ પટેલે પણ આ સમાચારો પર મોહર લગાવતા શંકરસિંહ વાઘેલાના આગમનને આવકાર્યું છે. કિરીટ પટેલે દાવો કર્યો છે કે કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિમાં શંકરસિંહ વાઘેલા જેવા મજબૂત અને અનુભવી નેતા સંગઠનથી લઈને ચૂંટણીલક્ષી વ્યૂહરચના સુધી અનેક જગ્યાએ ઉપયોગી સાબિત થશે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જેવા ઉચ્ચ હોદ્દાઓ પર રહી ચૂક્યા હોવાથી તેમના અનુભવનો સીધો ફાયદો પક્ષને મળશે. ભૂતકાળમાં કોંગ્રેસને તોડવામાં શંકરસિંહની ભૂમિકા અંગે પૂછવામાં આવતા કિરીટ પટેલે હળવાશથી કહ્યું કે, “રાજકારણમાં આ બધું ચાલતું રહે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આજકાલ કોંગ્રેસમાં રહીને ભાજપ કે તેના નેતાઓને ગાળો આપનારા લોકો પણ અત્યારે ભાજપમાં ઊંચા પદો પર બેઠા છે, તેથી રાજકારણમાં ભૂતકાળને ભૂલીને આગળ વધવું જરૂરી છે.

Exit mobile version