
અત્યંત વિનાશક અને શક્તિશાળી અર્નબ વાવાઝોડું મોડી રાતે દોઢ વાગ્યાની આસપાસ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ પાસે લેન્ડફોલ થવાનું શરૂ થયું હતું જે હજુ પણ ચાલુ છે. ચક્રવાતનું કેન્દ્ર બંગાળની ખાડીના પશ્ચિમ મધ્ય ભાગમાં બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે, યાનમના દક્ષિણમાં હતું. આ તોફાનના કારણે આંધપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.
આ તોફાનના એલર્ટ બાદ સરકાર એક્શનમોડમાં જોવા મળી છે. કાંઠા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં કુલ 4000થી વધુ સાઈક્લોન શેલ્ટર બનાવવામાં આવ્યા છે. જ્યાં લોકો રહે છે. તોફાનને જોતા રેલવેએ 50 ટ્રેનો રદ કરી છે. આ ઉપરાંત 21થી વધુ વિમાનોની ઉડાણ પર સીધી અસર જોવા મળી છે.
ઓડિશામાં 27 તારીખથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 16 જેટલા જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોને બંધ રખાઈ છે. ઓડિશા સરકારના જણાવ્યાં મુજબ 30000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. તોફાનની અસર ફક્ત દક્ષિણ ભારતીય રાજ્યોમાં જ નહીં પરંતુ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર અને યુપી સુધી જોવા મળશે.
આંધ્ર પ્રદેશના હવામાન વિભાગના ડાયરેક્ટર કે. નાગારત્નાએ કહ્યું કે, હાલ તોફાનની તીવ્રતા જોતા હવામી ગતિ લગભગ 125 કિમીથી 135 કિમી પ્રતિકલાક છે. જે કોનાસીમા અને કાકીનાડાની આસપાસના વિસ્તારો તથા અન્ય કાંઠા જિલ્લાઓમાં 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હજુ પણ તે લગભગ એક જ જગ્યાએ થોભેલું છે અને આગામી એક થી બે કલાકમાં તે કાંઠા સાથે અથડાય તેવી શક્યતા છે. એવી આશા છે આગામી કેટલાક કલાકોમાં આ સિસ્ટમ કાઠાંને પાર કરી જાય તેવી સંભાવના છે. ત્યારબાદ તેની તીવ્રતા ઘટી શકે છે અને તે એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે.
તેમણે કહ્યું કે બપોર સુધીમાં તે વધુ નબળું પડીને ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. કાંઠાને પાર કરતી વખતે તે એક ખુબ જ ગંભીર ચક્રવાતી તોફાનની કેટેગરીમાં હશે. થોડા કલાકો બાદ પવનની ઝડપ લગભગ 90 થી 120 કિમી પ્રતિ કલાક રહે તેવી શક્યતા છે. જેમાં હવાના ઝોંકાની ઝડપ 130 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. બપોર સુધીમાં આ તોફાનની ઝડપ ઘટીને 60 થી 70 કિમી પ્રતિ કલાક રહે તેવી ધારણા છે.
કે નાગા રત્નાએ વધુમાં કહ્યું કે 28 ઓક્ટોબરના રોજ આંધ્ર પ્રદેશ કાંઠા વિસ્તારમાં રેડ વોર્નિંગ ઈશ્યુ કરાઈ છે. જે સવાર સુધી રહી શકે છે. તેનાથી હોર્ડિંગ વગેરેને નુકસાન પહોંચવાની આશંકા છે અને આ સાથે જ રેલ, હવાઈ અને રોડ પરિવહન પણ પ્રભાવિત થઈ શકે છે. વીજળી, જળપૂર્તિ અને દૂરસંચાર સેવાઓમાં પણ વિધ્ન આવી શકે છે. માછીમારોને સલાહ અપાઈ છે કે તેઓ 28, 39 ઓક્ટોબરના રોજ બંગાળની ખાડીના પૂર્વ, મધ્ય અને પશ્ચિમ મધ્ય વિસ્તારોમાં સમુદ્રમાં ન જાય. સમુદ્રમાં થનારી તમામ ગતિવિધિઓની સમીક્ષા થવી જોઈએ અને તેને ફક્ત આઈએમડીની લેટેસ્ટ ચેતવણીઓ મુજબ જ ફરીથી શરૂ કરવી જોઈએ.
બંગાળની ખાડીમાં ઉઠેલું આ તોફાન હવે ગંભીર સ્વરૂપમાં ફેરવાઈ ચૂક્યું છે. આંધ્ર પ્રદેશ, ઓડિશા, તેલંગણા, છત્તીસગઢ, પુડ્ડુચેરી, પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં તોફાનની સંભવિત અસર જોતા સતર્કતા વર્તવાનું કહેવાયું છે.
