Site icon Time News

અમદાવાદની રથયાત્રામાં લાખો ભક્તોની સુરક્ષા સાથે ગંભીર ચેડાં, બે હાથીઓ અંધ હોવા છતાં કેમ રસ્તા પર ફેરવાયા?

અમદાવાદમાં 149મી રથયાત્રા ભવ્ય ઉજવણી અને ભક્તિમય માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી. લાખો ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન કરી રથયાત્રાના પવિત્ર પ્રસંગમાં ભાગ લીધો હતો. જોકે, રથયાત્રા પૂર્ણ થયા બાદ સામે આવેલી એક ગંભીર બાબતે મંદિર પ્રશાસનની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.

રથયાત્રામાં સામેલ કરવામાં આવેલા બે ગજરાજ અનફિટ હોવાનું સામે આવ્યું છે. સાત પશુ ડોકટરો નિષ્ણાતોની કમિટીએ કરેલા રિપોર્ટમાં બંને હાથીઓ અંધ હોવાનું જણાવાયું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, મહંતના ‘બાબુ’ નામના હાથીનો રિપોર્ટ નેગેટિવ હોવાનું પણ જાણવા મળ્યું છે. ખાસ વાત એ છે કે આ જ ‘બાબુ’ હાથી ગત વર્ષની રથયાત્રા દરમિયાન બેકાબૂ બન્યો હતો, જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.  ‘બાબુ’ નામનો હાથી ગમે ત્યારે ભડકી જાય તેવી સ્થિતિમાં હોવા છતાં તેને યાત્રામાં જોડાવા દેવાયો હતો. 

આ ઘટના બાદ સૌથી મોટો સવાલ એ છે કે અગાઉ આવી સ્થિતિ સર્જી ચૂકેલા હાથીને ફરી રથયાત્રામાં સામેલ કરવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? જો હાથી બેકાબૂ બન્યો હોત અને મોટી જાનહાનિ સર્જાઈ હોત તો તેની જવાબદારી કોની હોત? આ મામલે સામે આવેલી વિગતોને પગલે મંદિર પ્રશાસન અને સંબંધિત જવાબદાર તંત્રની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

Exit mobile version