Site icon Time News

PM મોદીના પ્રવાસ પહેલા સુરક્ષા એજન્સીઓ સતર્ક, 3 શંકાસ્પદ સિરિયન નાગરિકોની કરી ધરપકડ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ વચ્ચે સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં 17 જુલાઈ, 2025ના રોજ શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને છ સિરિયન નાગરિકોની શોધખોળ શરૂ થઈ હતી, જેમાંથી ત્રણની અટકાયત કરવામાં આવી છે, જ્યારે બાકીના ત્રણ ફરાર થયા છે. આ શંકાસ્પદો સિરિયાના આતંકવાદી સંગઠન હયાત તહરીર અલ શમ (HTS) સાથે સંકળાયેલા હોવાની આશંકા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે, આ છ સિરિયન નાગરિકો 17 જુલાઈએ શહેરમાં આવ્યા હતા અને મોંઘીદાટ હોટલમાં રોકાયા હતા. આ શંકાસ્પદો ગાઝામાં યુદ્ધ દરમિયાન થયેલી તબાહી માટે દાન એકત્ર કરવાના નામે શહેરમાં ફરતા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, તેમની સૈનિક જેવી કદકાઠ, ખભા પર ગોળીના નિશાન અને અરબી બોલીથી ક્રાઈમ બ્રાન્ચને શંકા ગઈ હતી. આ શંકાસ્પદોની પ્રવૃત્તિઓ અને તેમનું વર્તન એટલું અસામાન્ય હતું કે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન તેમની પાસેથી એવી માહિતી મળી કે તેઓએ ગાઝા માટે એકત્ર કરેલા 3400 ડોલર ફોરેન એક્સચેન્જ દ્વારા દુબઈ ટ્રાન્સફર કર્યા હતા, જે આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થઈ શકે છે.

આ ત્રણેયની સઘન પૂછપરછ ચાલુ છે, બાકીના ત્રણ શંકાસ્પદો ધરપકડની ભીંસ લાગતાં ફરાર થયા છે, અને તેમનું લોકેશન હાલ દક્ષિણ ભારતમાં હોવાની માહિતી મળી છે. સુરક્ષા એજન્સીઓએ આ ફરાર શંકાસ્પદોને શોધવા માટે વ્યાપક ઓપરેશન શરૂ કર્યું છે. કેન્દ્રીય એજન્સીઓને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે, અને તેઓ પણ આ તપાસમાં સામેલ થઈ છે.

આતંકવાદી સંગઠન હયાત તહરીર અલ શમ

સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ શંકાસ્પદો સિરિયાના આતંકવાદી સંગઠન હયાત તહરીર અલ શમ (HTS)ના સભ્યો હોઈ શકે છે. આ સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલું છે અને સિરિયામાં બળવાખોર જૂથોનું નેતૃત્વ કરે છે. ગાઝા માટે દાન એકત્ર કરવાનું નામ આપીને આ શંકાસ્પદો ભારતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની આશંકા છે.

Exit mobile version