Site icon Time News

શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન તીર્થ, આલીપોર ખાતે ધર્મની સરિતા વહી!પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રી પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મ.સા.ના સ્વમુખે ‘વદ દશમ’નું મહામાંગલિક યોજાયું

ધર્મ અને આસ્થાના પવિત્ર સંગમરૂપ એક ભવ્ય પ્રસંગ , તા. ૧૪/૧૨/૨૦૨૫, રવિવારના રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન તીર્થ, આલીપોર મધ્યે યોજાયો હતો.
સમગ્ર જૈન સમાજમાં ‘ચકાચક’ના હુલામણા નામે જાણીતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રબોધચંદ્રસુરીશ્વરજી મહારાજાના સ્વમુખે વદ-૧૦ (દશમ)નું મહા માંગલિક યોજાયું હતું. ગુરુદેવના શ્રીમુખેથી વરસતા માંગલિકના અમી ઝરણાંને સાંભળવા માટે ભારતભરમાંથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીની સાથે સાધુ-સાધ્વીજી ભગવંતો આદીઠાણાની પાવન નિશ્રામાં આ દિવ્ય મહામાંગલિકનું આયોજન થયું હતું. માંગલિક શ્રવણ કરીને દરેક ગુરુ ભક્તો અત્યંત ભાવવિભોર બન્યા હતા. આ પ્રસંગે ‘દશમ ગ્રુપ’ સહિત ભારતભર માંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો, જે ગુરુ પ્રત્યેની અસીમ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યેની ભક્તિનું પ્રત્યક્ષ પ્રમાણ હતું. આજના ભૌતિક યુગમાં પણ હજારો લોકોની ધર્મ પ્રત્યેની આ આસ્થા ખરેખર પ્રેરણાદાયી છે.
અત્રે ઉલ્લેખનીયછે કે પૂજ્યશ્રીની નિશ્રામાં અહીંયા પોષ દશમી નિમિત્તે અઠ્ઠમ તપ આરાધના પણ ચાલી રહી છે, જેમાં ૩૦૦થી વધુ આરાધકો જોડાયા છે. આ પવિત્ર તીર્થભૂમિ ધર્મની આરાધનાના કેન્દ્ર તરીકે ઝળહળી ઉઠી છે. ઉપરોક્ત પ્રસંગે પધારેલા સર્વે ગુરુ ભક્તો અને મહેમાનોની લાભાર્થી પરિવાર દ્વારા ત્રણે ટાઈમ સાધર્મિક ભક્તિ (જમણવાર)નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર આલીપોર તીર્થભૂમિ પર એક આધ્યાત્મિક અને દિવ્ય માહોલ છવાયો હતો. ગુરુદેવના વાસક્ષેપ તેમજ આશીર્વાદ અને ધર્મની આરાધનાથી સૌ કોઈ પાવન બન્યા હતા.

(તસ્વીર અહેવાલ: નવિન દોશી, સુરત)

Exit mobile version