
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. 16 જાન્યુઆરીની રાત્રે મુંબઈના બાંદ્રામાં સૈફ અલી ખાન પર હુમલો થયો હતો. એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઈરાદે સૈફ-કરીનાના ઘરમાં ઘૂસ્યો હતો. હુમલાખોરે અભિનેતા પર છ વાર છરી વડે હુમલો કર્યો હતો. સૈફને ઘાયલ હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અભિનેતાની સર્જરી કરવામાં આવી હતી. હવે તે ખતરામાંથી બહાર છે. આરોપીઓને પકડવા માટે 20 પોલીસ ટીમો બનાવવામાં આવી હતી. દરેક ટીમને અલગ અલગ કાર્યો સોંપવામાં આવ્યા હતા.
સૈફ અલી ખાન તે બિલ્ડિંગના 12મા માળે રહે છે. CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે હુમલાખોરની શોધ શરૂ કરી દીધી છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે હુમલાખોરે સૈફના ઘરેથી ભાગી જતા પહેલા પોતાના કપડાં બદલ્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સૈફના ઘરે 56 વર્ષીય સ્ટાફ નર્સ પણ હાજર હતા. તેમનું નામ એલિયામા ફિલિપ છે. તેઓ ફરિયાદી પણ છે. આ ઘટનામાં, તેમને બ્લેડથી ઈજાઓ થઈ હતી. પોલીસે નર્સ ફિલિપ, ઘરના સ્ટાફ, બિલ્ડિંગ ગાર્ડ અને અન્ય લોકોના નિવેદનો નોંધ્યા છે.
