Site icon Time News

અમદાવાદીઓ સાવધાન! ચોમાસામાં 150થી વધુ સ્થળે રોડ બેસી જવાનું જોખમ, નીકળતા પહેલા વિચારજો!

અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તાઓની ખરાબ સ્થિતિ સામે આવી રહી છે. એક તરફ ચોમાસા પૂર્વે પડેલા ૨,૦૦૦થી વધુ ગાબડાંનું સમારકામ હજુ અધૂરું છે, ત્યાં બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવેલા ચોંકાવનારા ખુલાસાએ તંત્રની પોલ ખોલી નાખી છે. અધિકારીઓએ સ્વીકાર્યું છે કે, શહેરમાં ૧૫૦થી વધુ સ્થળોએ ‘રોડ સેટલમેન્ટ’ (રોડ બેસી જવાની) ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે.

ટેકનિકલ ભાષામાં જેને ‘રોડ સેટલમેન્ટ’ કહેવામાં આવે છે, તે અમદાવાદના નાગરિકો માટે મોટો ખતરો બની રહ્યો છે. શહેરમાં ડ્રેનેજ, પાણીની લાઈન કે ગેસ લાઈન નાખવા માટે વારંવાર રસ્તાઓ ખોદવામાં આવે છે. નિયમ મુજબ, ખોદકામ બાદ તેનું યોગ્ય રીતે ‘બેકફિલિંગ’ (માટી ભરીને દબાવવી) અને ‘વોટરિંગ’ (પાણી છાંટીને જમીન બેસાડવી) કરવું અત્યંત આવશ્યક છે. જોકે, ઈજનેરોની બેદરકારી અને કામગીરીમાં રહેલી ખામીઓને કારણે હવે વરસાદ પડતા જ આ રસ્તાઓ પોલા થઈ રહ્યા છે.

વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ શહેરમાં અનેક જગ્યાએ મોટા ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે. લગભગ દરેક ઝોનમાં ખોદાયેલા રસ્તાઓની જમીન બેસી જવાથી વાહનો તેમાં ફસાઈ રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનું જોખમ વધી ગયું છે. હવે જ્યારે 150થી વધુ સ્થળોએ રસ્તા બેસી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે વાહનચાલકોએ ખાસ સાવચેતી રાખવી અનિવાર્ય છે.

Exit mobile version