Site icon Time News

’24 કલાકમાં અમેરિકા પરત ફરો’, H1-B વિઝાના નવા નિયમથી ફેસબુક-માઇક્રોસૉફ્ટમાં ખળભળાટ

H1-B વિઝા પર ડોનાલ્ડ ટ્રમ્પની નવી જાહેરાત બાદ અમેરિકામાં હડકંપ મચી ગયો છે. ખાસ કરીને મેટા અને માઇક્રોસૉફ્ટ જેવી દિગ્ગજ ટેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને દેશ ના છોડવાની અપીલ કરી છે. ટેક કંપનીઓએ કર્મચારીઓને ઇમેલ કરી 24 કલાકમાં અમેરિકા પરત ફરવાનો આદેશ કર્યો છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાને લઈને જાહેરાત કર્યા બાદ મેટા, માઈક્રોસોફ્ટ, એમેઝોન, જે પી મોર્ગન સહિતની દિગ્ગજ કંપનીઓમાં ખળભળાટ મચ્યો છે. દિગ્ગજ ટેક કંપનીઓએ તેમના કર્મચારીઓને દેશ ( અમેરિકા ) ન છોડવાની સલાહ આપી છે. આટલું જ નહીં મેટા અને માઈક્રોસોફ્ટ કંપનીએ તેમના કર્મચારીઓને ઈમેલ પાઠવ્યો છે કે જો તમે હાલ અમેરિકાની બહાર ગયા હોવ તો 24 કલાકમાં દેશ પરત ફરો. મેટાએ તેમના કર્મચારીઓને 24 કલાકમાં અમેરિકા પરત ફરવા નિર્દેશ આપ્યા છે જ્યારે બીજી તરફ માઈક્રોસોફ્ટે કર્મચારીઓને આગામી 15 દિવસ કોઈ પણ કારણસર અમેરિકા બહાર ન જવા સલાહ આપી છે. એમેઝોન કંપનીએ પણ કર્મચારીઓને નોટિસ આપી છે કે જો તમે H1B વિઝા ધરાવતા હોવ તો દેશમાં જ રહો. 

નોંધનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફીસ વધારીને 1 લાખ ડોલર કરી નાંખી છે. આ નિયમ 21 સપ્ટેમ્બરથી જ લાગુ થઈ જશે. હજુ તો કંપનીઓ તથા કર્મચારીઓ નવા નિયમો સમજી રહ્યા છે એવામાં નિયમ લાગુ કરવાની સરકારની ઉતાવળના કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

કંપનીઓએ કર્મચારીઓને તાત્કાલિક પરત ફરવા કહ્યું 

આ નિર્ણયથી ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે, કારણ કે H-1B વિઝા ધારકોમાં સૌથી મોટી સંખ્યા ભારતીયોની છે. ઇમિગ્રેશન વકીલો અને ટેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને તાત્કાલિક અમેરિકા પરત ફરવા માટે ચેતવણી આપી છે, કારણ કે જો તેઓ સમયસર પાછા નહીં ફરે તો તેમના પ્રવેશ પર પ્રતિબંધ લાગી શકે છે અને તેઓ ફસાઈ જવાનું જોખમ પણ છે.

પુનઃપ્રવેશથી વંચિત રહેવા’ના જોખમથી બચાવવાનો હેતુ 

માઇક્રોસોફ્ટનો એક આંતરિક ઇમેઇલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં કંપનીએ પોતાના H-1B અને H-4 (આશ્રિત) વિઝા ધારક કર્મચારીઓને ખાસ સૂચનાઓ આપી છે. આ ઇમેઇલમાં કર્મચારીઓને તાત્કાલિક અમેરિકા પાછા ફરવા અને નજીકના ભવિષ્ય માટે દેશની બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે. આ સૂચના પાછળનો હેતુ તેમને ‘પુનઃપ્રવેશથી વંચિત રહેવા’ના જોખમથી બચાવવાનો છે.

ભારતીય પ્રોફેશનલ્સ સૌથી વધુ પ્રભાવિત

H-1B વિઝા ધારકોમાં મોટી સંખ્યા ભારતીયોની છે. ટેક સેક્ટરમાં કામ કરી રહેલા હજારો ભારતીય કર્મચારીઓ સામે હવે સંકટ ઊભું થયું છે. કંપનીઓએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ એવા કર્મચારીઓને પ્રાથમિકતા આપી રહ્યા છે જેઓ આ આદેશ લાગુ થાય તે પહેલાં જ અમેરિકા પાછા આવી જાય.

નિષ્ણાતોના ટ્રમ્પ પ્રશાસન પર તીવ્ર પ્રહાર

કેટો ઇન્સ્ટિટ્યુટના ડેવિડ બિયરે ટ્રમ્પ પ્રશાસન પર તીવ્ર પ્રહાર કરતા કહ્યું કે, ‘ભારતીય H-1B કર્મચારીઓએ અમેરિકાના અર્થતંત્રમાં અબજોનું યોગદાન આપ્યું છે, છતાં તેમને બદલામાં માત્ર ભેદભાવ અને નફરત જ મળી છે. ભારતીય પ્રોફેશનલ્સને માત્ર જન્મસ્થળના આધારે દાયકાઓથી ગ્રીન કાર્ડ માટે રાહ જોવી પડી રહી છે, જે કાનૂની વ્યવસ્થાનું સૌથી ભેદભાવપૂર્ણ પાસું છે.’

બિયરે આ પગલાને અમેરિકાના હિતોની વિરુદ્ધ ગણાવતા કહ્યું કે, ‘ટ્રમ્પ મહેનતુ અને કાયદાનું પાલન કરતા આ લોકોને અપરાધી અને નોકરી ચોર તરીકે રજૂ કરી રહ્યા છે, જે અયોગ્ય છે.’

આ પણ વાંચો, http://PM મોદીને જોતા જ ચોધાર આંસુએ રડી પડ્યો બાળક, અને પછી પીએમ બોલ્યા….!

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version