Site icon Time News

રાજીનામું આપ્યા બાદ AAP નેતાઓને રાજુ કરપડાની ખુલ્લી ચીમકી: “હું ચૂપ છું ત્યાં સુધી તમે સલામત છો”

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ કરી અનેક આરોપ લગાવ્યા છે.આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ‘આપ’ ના વરિષ્ઠ નેતાઓ, ખાસ કરીને ગોપાલ ઇટાલિયા અને અન્ય નેતાઓ પર ગંભીર આરોપો લગાવીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

 AAP નેતાઓને રાજુ કરપડાની ખુલ્લી ચીમકી: “હું ચૂપ છું ત્યાં સુધી તમે સલામત છો”

ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી સાથેનો પોતાનો વર્ષો જૂનો નાતો તોડ્યા બાદ આજે મીડિયા સમક્ષ આવીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે જ્યારે તેઓ ખેડૂતોની લડાઈ લડતા જેલમાં ગયા, ત્યારે પાર્ટીએ તેમની પીઠમાં છરો ભોંક્યો છે.

રાજુ કરપડાએ આરોપ લગાવ્યો કે પોણા ચાર મહિનાના જેલવાસ દરમિયાન આમ આદમી પાર્ટીના એક પણ વકીલે તેમની મુલાકાત લીધી નહોતી કે કોઈ કાનૂની મદદ કરી નહોતી. તેમણે કહ્યું, “મેં જ્યારે જેલમાં ખેડૂતોની વેદના જોઈ ત્યારે જ નક્કી કરી લીધું હતું કે હવે ‘આપ’ સાથે રહેવું નથી. પાર્ટીના નેતાઓના કારણે જ ખેડૂતોને વધુ સમય જેલમાં રહેવું પડ્યું છે.”

ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સામે ગંભીર આરોપો

આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાએ ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સામે ગંભીર આરોપોનો વરસાદ વરસાવ્યો છે. કરપડાએ આક્ષેપ કર્યો છે કે આ બંને નેતાઓ એક ષડયંત્રના ભાગરૂપે કામ કરી રહ્યા છે અને તેઓ ક્યારેય ‘આપ’ ને ગુજરાતમાં મજબૂત થવા દેશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે તેઓ અને અન્ય ખેડૂતો જેલમાં બંધ હતા, ત્યારે પાર્ટીએ એક પણ વકીલની મદદ મોકલી નહોતી, જેના કારણે ખેડૂતોએ ત્રણ મહિના સુધી જેલવાસ ભોગવવો પડ્યો હતો.

રાજુ કરપડાએ સનસનાટીભર્યો દાવો કર્યો કે ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા કેજરીવાલ સુધી સાચી વાસ્તવિકતા પહોંચવા દેતા નથી અને જેવું તેઓ કેજરીવાલની નજીક આવ્યા કે તરત જ તેમની વિરુદ્ધ ષડયંત્રો શરૂ થઈ ગયા હતા. તેમને મૌન રહેવા માટે ફોન આવતા હોવાનો પણ તેમણે ખુલાસો કર્યો છે. આ સાથે જ તેમણે ઈસુદાન ગઢવીને અપીલ કરી છે કે પાર્ટીમાં રહીને જ પાર્ટીને તોડનારા તત્વોને તેઓ ઓળખી લે. અંતમાં તેમણે સંકેત આપ્યા કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તરફથી વાયા-વાયા તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ હાલ તેઓ ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપી રહ્યા છે.

ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર કરપડાએ ગંભીર આક્ષેપ કર્યો કે પાર્ટીના એક-બે નેતાઓએ તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો છે.

કરપડાએ યાદ અપાવ્યું કે તેમણે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે રાત-દિવસ મહેનત કરી હતી. તેમણે ચૈતર વસાવા, હેમંત ખવા અને ઇસુદાન ગઢવી જેવા નેતાઓને પણ મદદ કરી હોવાનો દાવો કર્યો હતો. તેમણે ચીમકી આપતા કહ્યું, “હું હજુ પણ ઘણું છુપાવી રહ્યો છું, જ્યાં સુધી હું ચૂપ છું ત્યાં સુધી તમે (આપના નેતાઓ) સલામત છો.”

ભવિષ્યની રણનીતિ: હાલ બિન-રાજકીય

પોતાની ભવિષ્યની યોજના વિશે વાત કરતા રાજુ કરપડાએ સંકેત આપ્યા કે તેઓ હાલ પૂરતા કોઈ રાજકીય પક્ષમાં જોડાવા માંગતા નથી અને બિન-રાજકીય રહીને ખેડૂતો માટે કામ કરશે. તેમણે ઉમેર્યું કે જો તેઓ પાર્ટીમાં ન હોત અને બિન-રાજકીય લડત લડ્યા હોત તો કદાચ તેમની પર ગુના પણ દાખલ ન થયા હોત.

પ્રેસ કોન્ફરન્સના મુખ્ય અંશો:

રાજુ કરપડાના આ આક્ષેપો બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ શું પ્રતિક્રિયા આપે છે તેના પર સૌની નજર છે.

Exit mobile version