
એપ્રિલ મહિનામાં સૂર્યદેવ કહેર વર્તાવી રહ્યાં છે. મે-જૂનથી પણ વધુ ખતરનાક રીતે ગરમીનો પારો અપ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ-છ દિવસોમાં ગરમીનો પારો હજુપણ ઉપર જવાની શક્યતા છે. પરંતુ આ બધાની વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં બુધવાર એકદમ ગરમ રહ્યો હતો. બુધવારે રાજકોટ ગરમીની આગમાં શેકાયુ હતુ, શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ ઉપરાંત કંડલામાં પણ તાપમાન 45 ડિગ્રીથી વધુ નોંધાયુ હતુ.
ગુજરાતમાં હાલમાં ગરમીએ કહેર વર્તાવ્યો છે, સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર જતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાજા અપડેટ પ્રમાણે, આગ ઝરતી ગરમીમાં રાજકોટ બરાબરનું શેકાયુ છે, ગઇકાલે એટલે કે બુધવારના આંકડા પર નજર કરીએ તો, બુધવારે કંડલામાં તાપમાનનો પારો 45.6 ડિગ્રી પહોંચ્યો હતો, તો વળી, રાજકોટમાં તાપમાનનો પારો 45.2 સુધી પહોંચ્યો હતો, રાજકોટ સૌથી ગરમ શહેર પણ બન્યુ હતુ. ખાસ વાત છે કે, રાજકોટમાં 133 વર્ષમાં એપ્રિલનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. આ ઉપરાંત અમદાવાદ સહિત 10 શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો.
હવામાન વિભાગે પણ આગામી 2 દિવસ ગરમીની આગાહી કરી છે. આજે પણ 9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. કચ્છ,મોરબી,રાજકોટ,સુરેન્દ્રનગર,પોરબંદર,ભાવનગર,પાટણ,મહેસાણા,બનાસકાંઠા,સાબરકાંઠામાં ગરમીનું ઓરેંજ એલર્ટ છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો હવે અન્ય રાજ્યોમાં પણ હવામાનની પેટર્ન બદલાઈ રહી છે, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે બુધવારે દિલ્હી NCRમાં હીટ વેવ એલર્ટ જાહેર કર્યું છે. આ દિવસોમાં દિલ્હી, યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે.આ સાથે તાપમાનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ચંદીગઢ અને પંજાબ સહિત ઉત્તરીય મેદાનોના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી હીટ વેવની સ્થિતિ છે.
આ પણ વાંચો, Horoscope: આ રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે એકદમ સરસ, જાણો અન્ય લોકો એક ક્લિક પર
