
મેડિકલ એજ્યુકેશનમાં રેગિંગનું દુષણ દૂર થતું નથી અગાઉ રેગીંગની ઘટનામાં વિદ્યાર્થીઓને આપઘાતના કિસ્સાઓ પણ બન્યા છે તેવી સ્થિતિમાં રાજ્યના પાટનગર ગાંધીનગર મેડિકલ કોલેજમાં ફરી રેગિંગની ઘટના બની છે. જેમાં નવા આવેલા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ઇન્ટ્રોડક્શનના નામે પજવણી અને અપમાનિત કરવામાં આવ્યા હોવાની લેખિત ફરિયાદ થયા બાદ તપાસ કરવામાં આવતા આ રેગીંગની ઘટના સામે આવી હતી અને આ રેગીંગ માટે જવાબદાર સેકન્ડ અને થર્ડ યરના ૧૪ જેટલા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી રસ્ટીગેટ કરી દેવામાં આવ્યા છે.
ગયા વર્ષે ધારપુરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં વિદ્યાર્થીને માઠું લાગી ગયું હતું અને તેણે અંતિમ પગલું ભરી લીધું હતું ત્યારે દર વર્ષે મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષે પ્રવેશ લે છે ત્યારે આ અંગે વાલીઓ સાથે તેમને ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવે છે સાથે સાથે કોલેજમાં એન્ટિ રેગિંગ કમિટી પણ બનાવવામાં આવે છે તેમ છતા આ રેગિંગની ઘટનાઓ દૂર થતી નથી.
ગાંધીનગર મેડિકલ કોલેજમાં ફરી આ રેગિંગની ઘટના સામે આવી છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં રહેવાનું તથા કોલેજમાં નવા વર્ષનો અભ્યાસક્રમ પણ શરૃ કરી દીધો હતો ત્યારે બોયઝ હોસ્ટેલમાં સેકન્ડ અને થર્ડ યરના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા બિનસત્તાવારરીતે પ્રથમવર્ષના વિદ્યાર્થીઓનો ઇન્ટ્રો રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પરાણે બોલાવીને તેમના પરિચયની સામે તેમની હંસી મજાક કરવામાં આવતી હતી.
વિદ્યાર્થીઓને અપમાનિત પણ કરવામાં આવતા હતા જે અંગે પ્રથમવર્ષ એમબીબીએસના કેટલાક વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજના સત્તાધીશોને લેખિતમાં ફરિયાદ કરી હતી જેના પગલે પુછપરછ અને તપાસનો ધમધમાટ શરૃ થયો હતો. જેમાં સેકન્ડ અને થર્ડ યરના ૧૪ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સામે આવતા તેમના વાલીઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમનો અભ્યાસ બગડે નહીં તેનું ધ્યાન રાખીને આ તમાં ૧૪ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી છ મહિનાથી લઇને બે વર્ષ સુધી રસ્ટીગેટ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા આ ઘટના પર પડદો પાડવામાં માંગી રહ્યું છે પરંતુ અન્ય વિદ્યાર્થીઓ સાથે આવું ન બને તે માટે તમામે જાગૃત થવાની જરૃર છે.
