Site icon Time News

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો

રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો યથાવત રહ્યો છે. સંઘની કુલ પાંચ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ત્રણ બેઠકો પર રાદડિયા જૂથના ઉમેદવારો વિજેતા બન્યા છે. જ્યારે બે બેઠકો પર ભાજપના મેન્ડેટ ધરાવતા ઉમેદવારોએ જીત મેળવી છે.

કુવાડવા જૂથ બેઠક પર રાદડિયા જૂથના નીતિન ચોવટિયાએ જીત મેળવી છે. આ બેઠક પર પ્રશાંત કોરાટ જૂથના ગણાતા પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ પરિણામને સહકારી ક્ષેત્રમાં રાદડિયા જૂથની મજબૂત પકડ તરીકે જોવામાં આવી રહ્યું છે.

માધાપર જૂથ બેઠક પર પણ રાદડિયા જૂથના વિજય સખિયાનો વિજય થયો છે. તેમની સામે પ્રશાંત કોરાટ જૂથના પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજા ચૂંટણી મેદાનમાં હતા. ઘોઘુભા જાડેજાને પણ હારનો સામનો કરવો પડ્યો છે.

હલેન્ડા બેઠક પર રાદડિયા જૂથના મહેશ આસોદરિયા વિજેતા બન્યા છે. જોકે, આ બેઠક પર મહેશ આસોદરિયાને ભાજપ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યો હતો. સાથે જ કોરાટ જૂથના ધીરૂભાઈ રોકડેએ પણ મહેશ આસોદરિયાને સમર્થન જાહેર કર્યું હતું.ત્રંબા બેઠક પર બંને ઉમેદવારો વચ્ચે ટાઈ થતાં ચૂંટણીનું પરિણામ રસપ્રદ બન્યું હતું. અંતે ચિઠ્ઠી ઉછાળવામાં આવતા ભાજપના મેન્ડેટ ધરાવતા નીતિન રૈયાણીના નામની ચિઠ્ઠી નીકળી હતી અને તેઓ વિજેતા જાહેર થયા હતા.

જ્યારે ખોખડદડ બેઠક પર પ્રશાંત કોરાટ જૂથના ગણાતા બાબુ નસીતે જીત મેળવી છે. બાબુ નસીતને ભાજપ તરફથી સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને તેમણે બેઠક પર વિજય મેળવ્યો છે.

આમ, રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘની પાંચ બેઠકોના પરિણામમાં ત્રણ બેઠકો પર રાદડિયા જૂથના સમર્થિત ઉમેદવારોની જીત થઈ છે. જ્યારે બે બેઠકો પર ભાજપના મેન્ડેટ ધરાવતા ઉમેદવારો વિજેતા બન્યા છે. પરિણામોને પગલે રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં રાદડિયા જૂથની સ્થિતિ વધુ મજબૂત બની હોવાનું ચિત્ર સામે આવ્યું છે.                          

Exit mobile version