Site icon Time News

પ્રધાનમંત્રીશ્રીની અધિકૃત ફેસબુક પોસ્ટ દૂર થવાના મુદ્દે ડૉ. સ્નેહલ હેમંતકુમાર વકીલનાની જાહેર હિતની કાનૂની રજૂઆત

આંતરરાષ્ટ્રીય સાયબર કાયદા નિષ્ણાત, સાયબર લૉ રિસર્ચર તથા ડેટા પ્રોટેક્શન અને AI કાયદાના વિશેષજ્ઞ ડૉ. સ્નેહલ હેમંતકુમાર વકીલના દ્વારા તા. 04 ઓગસ્ટ, 2026ના રોજ Meta (Facebook) સમક્ષ પ્રધાનમંત્રીશ્રીની અધિકૃત ફેસબુક પોસ્ટ તાત્કાલિક દૂર થવાના બનાવ અંગે જાહેર હિતમાં વિગતવાર કાનૂની રજૂઆત કરવામાં આવી હતી.

આ કાનૂની રજૂઆતમાં ડૉ. વકીલનાએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીના અધિકૃત સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કરવામાં આવતો સંદેશ માત્ર સામાન્ય સોશિયલ મીડિયા પોસ્ટ નથી, પરંતુ કરોડો નાગરિકો સુધી પહોંચતું સત્તાવાર જાહેર સંચારનું મહત્વપૂર્ણ માધ્યમ છે. તેથી આવી પોસ્ટનું કોઈ સ્પષ્ટ કારણ વિના દૂર થવું અથવા પ્રતિબંધિત થવું માત્ર ટેકનિકલ ભૂલ ગણાવીને અટકી શકાય નહીં, પરંતુ તેની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.

રજૂઆતમાં Meta સમક્ષ ઘટનાનું ચોક્કસ ટેક્નિકલ કારણ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ પોસ્ટ AI આધારિત ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા દૂર કરવામાં આવી હતી કે માનવ હસ્તક્ષેપથી, કોઈ બાહ્ય ફરિયાદના આધારે કાર્યવાહી થઈ હતી કે પછી કોઈ અનધિકૃત પ્રવેશ અથવા ટેક્નિકલ ખામીના કારણે ઘટના બની હતી તેની સ્પષ્ટતા પણ માંગવામાં આવી હતી.

ડૉ. વકીલનાએ Metaને સમગ્ર ઘટનાના સર્વર લોગ્સ, ઓડિટ ટ્રેલ, AI ડિસિઝન રેકોર્ડ, મોડરેશન રેકોર્ડ તથા અન્ય તમામ ડિજિટલ પુરાવાઓ સુરક્ષિત રાખવા, તેમજ સમગ્ર ઘટનાની સ્વતંત્ર ફોરેન્સિક તપાસ કરાવી તેનો અહેવાલ જાહેર કરવાની માંગ કરી હતી.

રજૂઆતમાં ભારતના બંધારણની કલમ 14, 19(1)(a) અને 21, માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ, 2000ની કલમ 79, તેમજ Information Technology (Intermediary Guidelines and Digital Media Ethics Code) Rules, 2021 હેઠળ Meta જેવી ડિજિટલ ઇન્ટરમીડિયરીની કાનૂની જવાબદારીઓ અને પારદર્શિતાના સિદ્ધાંતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ડૉ. વકીલનાએ રજૂઆતમાં સ્પષ્ટ કર્યું હતું કે જો તપાસ દરમિયાન કોઈ ઇરાદાપૂર્વકની ચેડાં, અનધિકૃત હસ્તક્ષેપ અથવા અધિકૃત સરકારી ડિજિટલ સંચારને અસર પહોંચાડવાના પુરાવા સામે આવે તો સંબંધિત તમામ કાનૂની જોગવાઈઓ હેઠળ તપાસ થવી જોઈએ.

Meta દ્વારા આ રજૂઆત સ્વીકારવામાં આવી હતી અને Complaint No. 876728338572589 ફાળવવામાં આવ્યો છે.

આ દરમિયાન આજે વિવિધ મીડિયા અહેવાલોમાં Metaના CEO માર્ક ઝુકરબર્ગ દ્વારા ભારત સરકાર સમક્ષ આ ઘટનાને લઈને ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.

ડૉ. સ્નેહલ હેમંતકુમાર વકીલનાએ જણાવ્યું હતું કે આ સમગ્ર મુદ્દો માત્ર એક સોશિયલ મીડિયા પોસ્ટ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ડિજિટલ ગવર્નન્સ, સાયબર સુરક્ષા, પ્લેટફોર્મ એકાઉન્ટેબિલિટી અને દેશના સત્તાવાર ડિજિટલ સંચાર પ્રત્યે જનવિશ્વાસ સાથે સીધો સંબંધ ધરાવે છે. તેથી માત્ર માફી પૂરતી નથી, પરંતુ સંપૂર્ણ પારદર્શિતા, જવાબદારીનું નિર્ધારણ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે મજબૂત વ્યવસ્થા ઉભી કરવી સમયની જરૂરિયાત છે.

Exit mobile version