Site icon Time News

ગાંધીનગરમાં PSIએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી:મુખ્યમંત્રીની સિક્યોરિટીમાં ફરજ બજાવતા

ગાંધીનગર પોલીસ બેડાને હચમચાવી નાખતી એક દુઃખદ ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિક્યોરિટીમાં ફરજ બજાવતા PSIએ આત્મહત્યા કરી લીધી છે. સેકટર 27 પોલીસ લાઇનમાં રહેતા PSI તન્વીરસિંહ ઝાલાએ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરતા ગાંધીનગર એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસનો દોર શરૂ કર્યો છે.

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અને પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૃતક પીએસઆઈ લાંબા સમયથી ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા હતા. તેમણે અચાનક આ આત્મઘાતી પગલું ભરી લીધા બાદ ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને સહકર્મીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

આ ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. તમામ ટેકનિકલ પુરાવાઓ મેળવવા માટે પોલીસ દ્વારા FSLની મદદ પણ લેવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં આત્મહત્યા પાછળ કૌટુંબિક કારણો અથવા અંગત પારિવારિક વિવાદ જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. જો કે, પોલીસનું કહેવું છે કે આ માત્ર પ્રાથમિક અનુમાન છે. મૃતક પીએસઆઈ ઝાલા છેલ્લા કેટલાક દિવસોથી માનસિક તણાવ કે પારિવારિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા કે કેમ તે અંગે તેમના પરિવારજનો, નજીકના મિત્રો અને સાથી કર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આપઘાતનું સાચું કારણ તો ઊંડી તપાસ અને જો સુસાઈડ નોટ મળી આવે તો અથવા ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

Exit mobile version