Site icon Time News

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ

બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાતનો આજે બનાસકાંઠા જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. બનાસકાંઠામાંથી વાવ-થરાદ નામનો નવો જિલ્લો બનાવવાની જાહેરાત થતાં જ વિરોધ શરૂ થયો હતો. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલનું કહેવું છે કે, બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદ જિલ્લામાં ધાનેરાનો સમાવેશ કરાયો, તે યોગ્ય નથી. ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે. ધાનેરાા લોકો માટે થરાદ વિસ્તાર અનુકૂળ નથી. નાથાભાઈ પટેલના મતે, ભવિષ્યમાં સરકારના આ નિર્ણયના વિરોધમાં જો લોકો આંદોલન કરશે તો કૉંગ્રેસ લોકોની પડખે ઉભી રહેશે.

કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરતા વિરોધ શરૂ થયો હતો. આજે શિહોરીમાં વેપારીઓએ દુકાન બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. વહેલી સવારથી સ્વયંભૂ શિહોરીની બજારો સજ્જડ બંધ રહી હતી. ગઈકાલે થરાદને જિલ્લો જાહેર કરતાની સાથે જ કાંકરેજના શિહોરીમાં વિરોધ થયો હતો. કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માંગ કરાઇ હતી.

Exit mobile version