
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં મહિલા અનામત બિલ પર બોલતા વિપક્ષી દળોને ચેતવણી આપી છે કે આ બિલનો વિરોધ કરનારાઓએ ભવિષ્યમાં મોટી કિંમત ચૂકવવી પડશે. તેમણે દક્ષિણ ભારતના રાજ્યોની શંકાઓને દૂર કરતા ખાતરી આપી હતી કે પરિસીમન (Delimitation) પ્રક્રિયામાં કોઈ પણ રાજ્ય સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં અને લોકસભામાં રાજ્યોનું પ્રતિનિધિત્વ જળવાઈ રહેશે. પીએમએ વિપક્ષને ‘ક્રેડિટનું બ્લેન્ક ચેક’ આપવાની તૈયારી બતાવીને બિલને સર્વસંમતિથી પસાર કરવા અપીલ કરી હતી.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં ભારતને લોકશાહીની જનની ગણાવી હતી અને કહ્યું હતું કે વિકાસની આ યાત્રામાં મહિલા અનામત એક નવો આયામ ઉમેરશે. તેમણે ઉમેર્યું કે કોઈપણ રાષ્ટ્રના જીવનમાં એવા કેટલાક નિર્ણાયક ક્ષણો આવે છે જ્યારે સમાજની માનસિકતા અને નેતૃત્વની ક્ષમતા તેને રાષ્ટ્રની વિરાસતમાં ફેરવી દે છે. ભારત માટે આ તેવો જ એક સમય છે જ્યારે આપણે આપણી શાસન પ્રણાલીમાં વધુ સંવેદનશીલતા લાવવા જઈ રહ્યા છીએ. પીએમએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ મંથનમાંથી જે અમૃત નીકળશે તે માત્ર દેશની રાજનીતિના સ્વરૂપને જ નહીં, પરંતુ રાષ્ટ્રની દિશા અને દશાને પણ નવો આકાર આપશે.
દક્ષિણ ભારતના રાજ્યોમાં પરિસીમનને લઈને ફેલાયેલી ચિંતાઓ પર પીએમ મોદીએ મોટી ગેરંટી આપી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ રાજ્ય સાથે અન્યાય થશે નહીં અને લોકસભામાં રાજ્યોના બેઠકોનું પ્રમાણ બદલાશે નહીં. પીએમએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે કેટલાક લોકો માત્ર રાજકીય લાભ ખાતર આ મુદ્દે ‘બવંડર’ ઊભો કરી રહ્યા છે અને ટેકનિકલ બહાનાબાજી હેઠળ મહિલાઓના અધિકારોને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે તમામ રાજ્યોને ભરોસો આપ્યો કે કેન્દ્ર સરકાર દરેક ક્ષેત્રના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
બિલના શ્રેય (Credit) ને લઈને ચાલી રહેલી રાજનીતિ પર પીએમ મોદીએ વળતો પ્રહાર કરતા અત્યંત માર્મિક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, તમે ક્રેડિટનો બ્લેન્ક ચેક લઈ લો, અમને ક્રેડિટની કોઈ ભૂખ નથી. તેમણે વિપક્ષને ઓફર આપી કે જો આ બિલ પસાર થઈ જાય તો તેઓ પોતે બધાનો આભાર માનવા તૈયાર છે અને વિપક્ષને જ્યાં પણ ફોટા છપાવવા હોય ત્યાં સરકાર તેના ખર્ચે તે કામ કરી આપશે. પીએમએ તર્ક આપ્યો કે જો વિપક્ષ આનો વિરોધ કરશે તો તેનો રાજકીય ફાયદો અંતે તેમને જ થશે, પરંતુ જો બધા સાથે મળીને ચાલશે તો દેશની મહિલાઓનો વિજય થશે.
પીએમ મોદીએ અંતમાં તમામ સાંસદોને વિનંતી કરી કે આ મહત્વપૂર્ણ અવસરને હાથમાંથી ન જવા દેવો જોઈએ. તેમણે કહ્યું કે આપણે સૌ ભારતીયો મળીને દેશને એક નવી દિશા આપવા જઈ રહ્યા છીએ. મહિલા અનામત માત્ર એક કાયદો નથી, પરંતુ તે દેશની અડધી વસ્તીના સન્માન અને સશક્તિકરણનું પ્રતીક છે. વડાપ્રધાનના આ કડક અને સ્પષ્ટ વલણ બાદ હવે લોકસભામાં આ બિલ પરના વોટિંગ અને વિરોધ પક્ષોના વલણ પર સમગ્ર દેશની નજર ટકેલી છે.
Kalolના Santej વિસ્તારમાં કથિત પત્રકાર બની ખંડણી વસૂલતી ટોળકીનો ભંડાફોડ – https://www.instagram.com/reel/DXLunuBjiG6/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
