Site icon Time News

વડાપ્રધાનના કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂ, 5 જૂને સુરતમાં સંબોધશે જંગી સભા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના સુરત પ્રવાસ દરમિયાન એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવનાર હોવાથી વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સભા માટે યોગ્ય સ્થળની પસંદગી અંગે સુરતના વેસુ અને વરાછા વિસ્તારમાં વિવિધ સ્થળોનું નિરીક્ષણ અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાનનો કાર્યક્રમ સૌરાષ્ટ્ર મૂળના લેઉવા પાટીદાર સમાજના પ્રભાવ ધરાવતા વિસ્તારમાં યોજાય તેવી શક્યતા છે. આ કારણે કાર્યક્રમને રાજકીય અને સામાજિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સુરતમાં પાટીદાર પ્રભુત્વ વિસ્તારોમાં પૂર્ણ થયેલા ફ્લાયઓવર, માર્ગ વિકાસ અને પાણી પુરવઠા સંબંધિત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે થવાની સંભાવના છે.

જાહેર સભા માટે વરાછા અને વેસુ વિસ્તારમાં ત્રણથી ચાર સ્થળોની યાદી તૈયાર કરીને ઉચ્ચ સ્તરે મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે અંતિમ સ્થળ અંગે હજુ સુધી સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી.

આ દરમિયાન વડાપ્રધાન મોદી 6 જૂને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાતે જાય તેવી પણ પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દમણમાં અંદાજે 97 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા નવા એરપોર્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેઓ હાજરી આપે તેવી સંભાવના છે.

Exit mobile version