
અમદાવાદમાં ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળ તરફ જવાના રોડ પર થયેલા ઝૂંપડાના દબાણોને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર દબાણ અને ટ્રાફિકને લઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા તંત્રને ટકોર કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં જે વિસ્તારમાં રોડ ઉપર દબાણ કરી દેવામાં આવેલા છે ત્યાં દબાણો દૂર કરવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નવરંગપુરા વિસ્તારમાં ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળ તરફ જવાના રોડ પર દબાણો થઈ ગયા હતા. વર્ષોથી કરવામાં આવેલા દવાઓને આજે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. રોડ ઉપર નાના-મોટા કાચા ઝૂંપડા, મકાનો અને જૂના માલ સામાનને મૂકી રાખવામાં આવતો હતો.
શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ટીપી રોડને ખુલ્લા કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. ગોમતીપુર બાદ હવે પશ્ચિમ વિસ્તારમાં નવરંગપુરાના ગુલબાઈ ટેકરાથી તરફ જવાનો રોડ ખુલ્લો કરવાની કામગીરી આજે સવારથી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની તમામ ટીમો દ્વારા બેથી વધુ જેસીબી અને 10 જેટલા નાના-મોટા વાહનો સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 100 મીટરના અંદાજે 24 મીટર જેટલા પહોળો રોડ પર અડધો રોડ દબાણોના કારણે રોકાઈ ગયો હતો. તાડપત્રીથી બાંધેલા ઝૂંપડા અને અન્ય દબાણોના કારણે ત્યાંથી વાહનો પસાર થવામાં તકલીફ પડતી હતી. જેથી આ રોડ પરથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
