
અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આગામી 16મી જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રા માટે જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ મંદિર પરિસરમાં ભગવાનના ત્રણેય રથનું સમારકામ, રંગરોગાન અને ઉપેણી બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ ઉત્સાહભર્યા માહોલ વચ્ચે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે વિશેષ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે રથયાત્રામાં જોડાનારા ગજરાજ, સુરક્ષા વ્યવસ્થા અને ભગવાનના વિશેષ વાઘા અંગે રસપ્રદ માહિતી આપી હતી. મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે, ‘અમે વર્ષોની પરંપરા મુજબ જ તમામ તૈયારી કરી રહ્યા છીએ. ટ્રક, અખાડા અને ભજન મંડળીઓના એસોસિયેશનને જરૂરી સૂચના આપી દેવાઈ આવી છે.’
આ દરમિયાન તેમણે રથયાત્રા પૂર્વેના ધાર્મિક ઉત્સવોની પણ માહિતી આપી હતી. જેમ કે…
•જળયાત્રા મહોત્સવ: સાબરમતી નદીના આરેથી 108 કળશમાં ગંગાપૂજન કરી જળ લવાશે, જેનાથી ભગવાનનો જ્યેષ્ઠાભિષેક સ્નાન વિધિ થશે.
•મોસાળાગમન અને નેત્રોત્સવ: સ્નાન યાત્રા બાદ ભગવાન મોસાળ જશે અને ત્યારબાદ નેત્રોત્સવ વિધિ યોજાશે.
•સોનાવેશ અને પ્રસ્થાન: અષાઢ સુદ એકમના રોજ ભગવાનના સોનાવેશના દર્શન થશે અને અષાઢી બીજના દિવસે વડાપ્રધાન કે મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ કરાયા બાદ રથયાત્રાનું પ્રસ્થાન થશે.
•ભંડારો: અમાસના દિવસે સંતો-મહંતો માટે વિશેષ ભંડારો, વસ્ત્રદાન અને દાલ-રોટીના પ્રસાદનું આયોજન છે.
પરંપરા મુજબ 18 ગજરાજ અને ભજન મંડળીઓ જોડાશે
ગત વર્ષે ખાડિયામાં ડીજેના અવાજને કારણે ગજરાજ ભડક્યા હતા અને નાસભાગ મચી હતી. આ બાબતે સાવચેતી રાખતા મહંતે જણાવ્યું કે, ‘આ વખતે આવી ઘટના ન બને તે માટે મહાવતો અને જનતાને જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે. વન વિભાગના ડૉક્ટરોની વિશેષ ટીમ હાથીઓની તપાસ કરશે. આ ઉપરાંત, હાથીઓ પર પૂરતું નિયંત્રણ રાખવા માટે તેમની સાથે વધારાના માણસો પણ તહેનાત કરાશે. પરંપરાગત નિયમ મુજબ જ આ વર્ષે પણ 16થી 18 ગજરાજ અને 108 જેટલી ટ્રકો યાત્રામાં જોડાશે. ભજન મંડળીઓ અને ટ્રકો માટે રૂટિન મુજબની જ મંજૂરી લેવામાં આવી છે.
મથુરા-વૃંદાવનના કાપડમાંથી ભગવાન માટે 7 જોડ વાઘાદર વર્ષે ભગવાન અવનવી થીમ અને ડિઝાઈનના વાઘા ધારણ કરીને નગરચર્યાએ નીકળે છે. આ વર્ષે ભગવાન માટે કુલ સાત જોડ વિશેષ વસ્ત્રો તૈયાર થઈ રહ્યા છે.
•કાપડની પસંદગીઃ વસ્ત્રો માટેનું ખાસ કાપડ અને એમ્બ્રોઇડરીનું સિલેક્શન મથુરા-વૃંદાવનથી કરાયું છે.
•ડિઝાઇનર દરજી: શાહપુર મોડ વાળાની પોળમાં રહેતા સુનીલભાઈ દરજી વર્ષોની પરંપરા મુજબ આ વાઘા તૈયાર કરી રહ્યા છે.
અમાસ, એકમ, મંગળા આરતી અને રથમાં બિરાજમાન થતી વખતે ભગવાન કયા વસ્ત્રો ધારણ કરશે તે વાઘા તૈયાર થઈને આવ્યા બાદ નક્કી કરાશે.
ઇમરજન્સી માટે રથના ‘સ્પેર વ્હિલ’ તૈયાર, રૂટમાં ફેરફાર નહીં
રથયાત્રા દરમિયાન કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો સમય ન બગડે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથના સ્પેર વ્હિલ (પૈડાં) તૈયાર રખાયા છે, જેથી ભગવાન સમયસર નગરચર્યા પૂર્ણ કરી નીજ મંદિરે પરત ફરી શકે. સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રા શાંતિપૂર્ણ અને આનંદથી સંપન્ન થાય તે માટે સરકાર, મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશને બેઠકો યોજીને તમામ વહીવટી જવાબદારીઓ સંભાળી લીધી છે. આ વર્ષે રથયાત્રાના રૂટ કે આયોજનમાં કોઈ જ ફેરફાર કરાયો નથી.
