
પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે મેલબર્નમાં ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા CEO ફોરમ અને ઇકોનોમિક રોડમેપ બિઝનેસ રિસેપ્શનમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝ સાથે ભાગ લીધો. આ પ્રસંગે અલ્બનીઝે પીએમ મોદીનું સ્વાગત કર્યું અને બંને નેતાઓએ સાથે તસવીર પણ પડાવી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ અને બિઝનેસ લીડર્સને સંબોધિત કર્યા.
CEO ફોરમને સંબોધતા પીએમ મોદીએ ભારત અને ઓસ્ટ્રેલિયાને સ્વાભાવિક તથા વિશ્વસનીય ભાગીદારો ગણાવ્યા અને પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં સહકાર વધારવા પર ભાર મૂક્યો.
પીએમ મોદીએ જણાવ્યું કે, “આજે વિશ્વ અનિશ્ચિતતા, સપ્લાય ચેઇનમાં અવરોધ અને ઊર્જા સંકટ જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આવા સમયમાં ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા વિશ્વસનીય ભાગીદારોનું વધુ નજીક આવવું સ્વાભાવિક અને જરૂરી છે.”
તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપાર સંબંધો વધુ મજબૂત બન્યા છે, જે વધતા આર્થિક સહકારનું પ્રતિબિંબ છે.
પીએમ મોદીએ જણાવ્યું કે, “ઓસ્ટ્રેલિયા માટે ભારતનો નિકાસ બમણો થયો છે અને બંને દેશોને નવા બજારોમાં પ્રવેશ મળ્યો છે.” તેમણે ભારતને વૈશ્વિક રોકાણ માટે સૌથી આકર્ષક ગંતવ્ય ગણાવતા કહ્યું કે, “ભારત અને ઓસ્ટ્રેલિયાએ રોકાણ માટે એક નવો રનવે તૈયાર કર્યો છે.”
ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા CEO ફોરમની શરૂઆત વર્ષ 2012માં થઈ હતી.
વર્ષ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન એન્થોની અલ્બનીઝે તેને ફરીથી શરૂ કર્યો હતો. આ ફોરમ દર વર્ષે બેઠક યોજે છે અને બંને દેશોની સરકારોને આર્થિક વિકાસ અને વેપાર વધારવા માટે સૂચનો આપે છે. વર્ષભર આ ફોરમ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક સહયોગ મજબૂત કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજે છે.
વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાનું પણ તેનું મુખ્ય લક્ષ્ય છે.
પરમાણુ ઊર્જા અને યુરેનિયમ પર ભાર
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારતે વર્ષ 2030 સુધી 500 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો અને વર્ષ 2070 સુધી નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય નક્કી કર્યું છે.
તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાની ટેકનિકલ કુશળતા, નાણાકીય સંસાધનો અને કુદરતી ખનિજ સંપત્તિ ભારતના ઊર્જા પરિવર્તનને વધુ ઝડપી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
તાજેતરના નીતિગત સુધારાઓનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ જણાવ્યું કે, “થોડા મહિના પહેલાં ભારતે પરમાણુ ક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂક્યું છે. અમે વર્ષ 2047 સુધી 100 ગીગાવોટ પરમાણુ ઊર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. ઓસ્ટ્રેલિયાના વિશાળ યુરેનિયમ ભંડાર ભારતની પરમાણુ યાત્રા સાથે સીધા જોડાયેલા છે.”
તેમણે ઓસ્ટ્રેલિયાના રોકાણકારોને ભારતના ઝડપથી વિકસતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું અને જણાવ્યું કે બંદરો, એરપોર્ટ, હાઇવે, રેલવે તેમજ શહેરી વિકાસ યોજનાઓમાં વિશાળ તકો ઉપલબ્ધ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝ સાથે ત્રીજી વાર્ષિક શિખર બેઠકની સહ-અધ્યક્ષતા પણ કરશે. આ દરમિયાન બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં ચર્ચા થશે.
અલ્બનીઝ સાથેની દ્વિપક્ષીય બેઠક ઉપરાંત પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ સેમ મોસ્ટિન સાથે પણ મુલાકાત કરશે. તેઓ મેલબર્નમાં ભારતીય સમુદાયના વિશાળ સમૂહને પણ સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે, બુધવારે ઓસ્ટ્રેલિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેલબર્નમાં ભારતીય સમુદાય દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
