Site icon Time News

ફરી ગુજરાત આવશે PM મોદી, રાજકોટથી અમદાવાદ સુધી શું છે કાર્યક્રમ ?

PM મોદી ફરી એકવાર ગુજરાતની ધરા પર આવી રહ્યા છે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરી દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ બે દિવસ દરમિયાન તેઓ સૌરાષ્ટ્ર-કચ્છ માટે મહત્વપૂર્ણ એવા વિકાસકાર્યો, ઉદ્યોગ સંમેલન અને સંસ્કૃતિક ઉત્સવોમાં હાજરી આપશે. તેમના પ્રવાસને લઈને રાજકોટ અને અમદાવાદમાં તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદી રાજકોટ પહોંચશે. તેઓ રાજકોટના જૂના એરપોર્ટથી મારવાડી યુનિવર્સિટી સુધી આશરે એક કિલોમીટર લાંબો રોડ શો કરશે. એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ દ્વારા સ્વદેશી થીમ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ જ દિવસે મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઇબ્રન્ટ સમિટનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થશે. આ સમિટમાં ભારત સહિત 22 દેશોના ઉદ્યોગકારો અને પ્રતિનિધિઓ ભાગ લેશે. જાપાન, યુક્રેન, રિપબ્લિક ઓફ કોરિયા અને રવાન્ડા જેવા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે.

રીજનલ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન વિશાળ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓટોમોબાઇલ, સિરામિક, MSME, કુટીર અને હસ્તકલા ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે પ્રસ્તુત થવાની તક મળશે. 26 હજાર ચોરસ મીટરમાં યોજાનાર આ પ્રદર્શન મહેસાણા સમિટ કરતા પણ વિશાળ રહેશે. અદાણી, રિલાયન્સ અને ટાટા કેમિકલ જેવી મોટી કંપનીઓની ભાગીદારી સાથે 4000થી વધુ ઉદ્યોગકારો અહીં હાજર રહેશે. સાથે સાથે One District One Product, GI Tag પ્રોડક્ટ્સ અને કારીગરોના લાઇવ ડેમો મુખ્ય આકર્ષણ રહેશે.

12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવે તેવી શક્યતા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આ ઉત્સવ ગુજરાતની ઓળખ બની ચૂક્યો છે. કાઇટ ફેસ્ટિવલ સાથે વડાપ્રધાન ફ્લાવર શોની પણ મુલાકાત લઈ શકે છે.

આ દરમિયાન જર્મનીના ચાન્સેલર પણ ગુજરાતના મહેમાન બનવાની સંભાવના છે. જો તેઓ આવે તો વડાપ્રધાન સાથે ગાંધી આશ્રમ અને સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત કરી શકે છે. આ મુલાકાત દરમિયાન મેટ્રો ફેઝ-2 અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેવા મોટા વિકાસકાર્યો અંગે ચર્ચા થવાની શક્યતા છે.

Exit mobile version