
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજેથી બે દિવસ એટલે કે 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે છે. વડાપ્રધાન મોદી ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ તેઓ બનાસકાંઠાના ભીલડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) કેવડિયા ખાતે અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના પ્રવાસને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાન મોદી 30 અને 31 ઓક્ટોબરે એટલે કે આજે ગુજરાતની મુલાકાત લેશે. તેમની મુલાકાતના બીજા દિવસે 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાના એકતા નગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાના ભીલડીમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં પીએમ-કિસાન યોજનાનો 24મો હપ્તો રીલિઝ કરશે. આ કાર્યક્રમ દરમિયાન, દેશભરના પાત્ર ખેડૂત પરિવારોના ખાતામાં નાણાકીય સહાય ટ્રાન્સફર કરવામાં આવશે. ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને ₹1,051 કરોડથી વધુની રકમ મળશે. તેમણે ભીલડીમાં ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કર્યા પછી આ માહિતી આપી હતી.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodiજીની ગરિમામય ઉપસ્થિતિમાં આગામી તા. 30 ઓક્ટોબરના રોજ બનાસકાંઠાના ભીલડી ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી. આ પ્રસંગે વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી @ChaudhryShankarજી તથા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJPજીની ઉપસ્થિતિમાં વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમના સુચારુ આયોજન અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યાં. આ કાર્યક્રમ અંતર્ગત માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો દેશના ખેડૂતોને અર્પણ કરવામાં આવશે. જેના થકી દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને ₹18,680 કરોડથી વધુ અને ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને ₹1,051 કરોડથી વધુની આર્થિક સહાય પ્રાપ્ત થશે. આ ઉપરાંત કૃષિ અને પશુપાલન ક્ષેત્રને નવી ગતિ આપતા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpજીના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતોની સમૃદ્ધિ, કૃષિ ક્ષેત્રના આધુનિકીકરણ અને ગ્રામ્ય અર્થતંત્રને વધુ સશક્ત બનાવવા પ્રતિબદ્ધ છે.
પ્રધાનમંત્રી બે બાયો-CNG પ્લાન્ટનો શિલાન્યાસ કરશે
પીએમ કિસાન હપ્તો જાહેર કરવા ઉપરાંત પ્રધાનમંત્રી મોદી થરાદ અને રાધનપુરમાં બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવી રહેલા બે કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે. આ પ્લાન્ટમાં ગાયના છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવશે. આ બે પ્લાન્ટ કાર્યરત થયા પછી બનાસ મોડેલ હેઠળ બાયો-CNG પ્લાન્ટની સંખ્યા છ થઈ જશે. આ પ્લાન્ટની કુલ ક્ષમતા દરરોજ 515 ટન ગાયના છાણની હશે. ગાયના છાણમાંથી ઉત્પાદિત બાયો-CNG સબસિડીવાળા દરે વેચાય છે. બનાસકાંઠા ડેરી હાલમાં દરરોજ આશરે 6,100 કિલો બાયો-CNG સપ્લાય કરે છે. એવો અંદાજ છે કે છ પ્લાન્ટ વાર્ષિક 33,400 થી 34,600 ટન કાર્બન ઉત્સર્જન અટકાવવામાં મદદ કરશે.
ગાયોના સંવર્ધન અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે ભારત ગાયોના સંવર્ધન અને સંશોધન કેન્દ્ર (BBBRC)નું પણ ઉદ્ઘાટન કરશે. આ કેન્દ્ર ₹328.77 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. વધુમાં પ્રધાનમંત્રી બનાસ ડેરીના નવા બટાકા પ્રોસેસિંગ વિસ્તરણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ ડેરીના અલ્ટ્રા હાઇ ટેમ્પરેચર (UHT) યુનિટમાં સ્થાપિત ઓટોમેટેડ સ્ટોરેજ અને રિલોડિંગ સિસ્ટમ (ASRS)નું પણ ઉદ્ઘાટન કરશે.
કેવડિયામાં એકતા પરેડ યોજાશે.
બનાસકાંઠાના કાર્યક્રમો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબર વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેવડિયામાં વડાપ્રધાનની હાજરીમાં એકતા પરેડ યોજાશે. વડાપ્રધાન મોદીના પ્રવાસ દરમિયાન કેવડિયા ખાતે યોજાનારી એકતા પરેડ ખાસ આકર્ષણ રહેશે. આ વખતે પહેલીવાર એકતા પરેડ સાંજના સમયે યોજાવાની છે. સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત આ કાર્યક્રમની સાથે ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ગામડાઓમાં સરદાર પટેલને યાદ કરવા અને તેમના યોગદાનને ઉજાગર કરવા કાર્યક્રમો યોજાશે
