
પુરુષોત્તમ માસ દરમિયાન ધાર્મિક યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓ માટે ગોંડલ નજીકની સવાર દુર્ઘટનામય બની હતી. ગોંડલ તાલુકાના વોરા કોટડા ગામ પાસે વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી ખાનગી બસ અચાનક પલટી મારી જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં સવાર બે મહિલાઓ સાસુ અને વહુ ના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. અકસ્માત બાદ આસપાસના લોકો અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે, જ્યારે પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.
એક જ પરિવારના સાસુ-વહુના ઘટનાસ્થળે મોત
- શાંતાબેન પુનાભાઈ મકવાણા (સાસુ)
- મંજુબેન રસિકભાઈ મકવાણા (વહુ)
ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી રવિવારે વહેલી સવારે 4:30 વાગ્યે ખાનગી બસ નંબર GJ18U 9985 બગદાણા, રાજપરા, ઊંચા કોટડા અને ભગુડા સહિતના ધાર્મિક સ્થળોના દર્શનાર્થે રવાના થઈ હતી. યાત્રાળુઓએ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન કર્યા બાદ બસ પરત ગોંડલ તરફ ફરી રહી હતી.
દરમિયાન સોમવારે વહેલી સવારે અંદાજે 4:30 વાગ્યે બસ ગોંડલના વોરા કોટડાથી બાંદરા જતાં માર્ગ પર પહોંચી હતી. ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી, જ્યારે આગળની વિગતો જાણવા પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.
