
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના કથિત એકતરફી નિર્ણયો સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં વિવાદ વાળા તમામ નિર્ણયોને રદ્દ કરવાની માગ કરવામાં આવી છે. શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી નામના વકીલ તરફથી દાખલ અરજીમાં જ્ઞાનેશ કુમાર સહિત બીજા અધિકારીઓ પર યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી છે.
અરજીમાં વિનંતી કરવામાં આવી છે, સત્તાવાર ફરજોનું જાણીજોઈને ઉલ્લંઘન કરવાના દોષી મળી આવેલા તમામ અધિકારીઓ સામે જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 ની કલમ 32 હેઠળ ફરિયાદો નોંધો અને કેસ શરૂ કરો.અરજીકર્તાએ સ્વતંત્ર ન્યાયિક તપાસ પંચ અથવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવવાની માગ કરી છે. આ તપાસ ટીમની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ કરે અને જેમાં સાયબર સિક્યોરિટી અને IT એક્સપર્ટ્સ પણ સામેલ હોય.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્ઞાનેશ કુમાર પર જે આરોપ છે તેમાં તેમણે ભારતીય ચૂંટણી પંચ (ECI) માં એકતરફી નિર્ણયો લીધા. તેમાં ‘ફોર્મ 6’ માં ગેરકાયદેસર ફેરફાર, વોટર લિસ્ટના ડેટાનું કેન્દ્રીકરણ અને અન્ય બે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીના વાંધાઓ છતાં લેવામાં આવેલા નિર્ણયો સામેલ છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ નિર્ણયોના કારણે યોગ્ય મતદાતાઓ યાદીમાંથી બહાર થઈ ગયા.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી કમિશનર જોશી અને સંધૂએ મે 2026 માં ફોર્મ 6 માં ફેરફાર પર વાંધો વ્યક્ત કર્યો હતો. જોશીએ કહ્યું હતું કે રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટર્સ રૂલ્સ 1960 માં સંબંધિત સુધારો કર્યા વગર ફોર્મમાં ફેરફાર કરી શકાય નહીં. બાદમાં સંધૂએ પણ આ વાત સાથે સહમતિ દર્શાવી હતી.
જણાવી દઈએ કે 23 સપ્ટેમ્બરે ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે મોટો ખુલાસો કર્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા દરમિયાન ત્રણમાંથી બે ચૂંટણી કમિશનરોએ કેટલીક વાર વાંધાઓ નોંધાવ્યા. આ પછી પણ પ્રક્રિયાને આગળ વધારવામાં આવી.
