
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)એ એક શંકાસ્પદ ડેટા લીકની સત્તાવાર પુષ્ટિ કરી છે. બેંકના જણાવ્યા અનુસાર, તેના લગભગ 3,897 ગ્રાહકોનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર લીક થઈ ગયો છે. ડાર્ક વેબ પર જાહેર થયેલી આ સંવેદનશીલ માહિતીમાં ગ્રાહકોના નામ, મોબાઇલ નંબર, ઈમેઈલ એડ્રેસ, જન્મ તારીખ અને તેમના ઘરના સરનામા જેવી અત્યંત અંગત માહિતી સામેલ છે. SBIએ જણાવ્યું કે તેને આ શંકાસ્પદ ડેટા લીક વિશે સૌથી પહેલા 16 ઓક્ટોબરે એલર્ટ મળ્યું હતું. આ એલર્ટ બેંકને ઘણી એજન્સીઓ દ્વારા મળ્યું હતું. જેમાં તેની થ્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ પ્રોવાઇડર એજન્સી, દેશની સુરક્ષા સાથે જોડાયેલી ‘ડિફેન્સ સાયબર એજન્સી’ અને ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) સામેલ છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)એ આ મામલાની ગંભીરતાને જોતાં તરત જ આંતરિક તપાસ શરૂ કરી દીધી છે. બેંક દ્વારા ડાર્ક વેબ પર મળી આવેલા લગભગ 3.75 લાખ શંકાસ્પદ રેકોર્ડ્સની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં જણાઈ આવ્યું કે માત્ર 3,897 એન્ટ્રીઝ એવી હતી, જેમાં SBIના ગ્રાહકોની અસલી અને વ્યક્તિગત માહિતીઓ હાજર હતી. આ સંવેદનશીલ જાણકારીઓમાં ગ્રાહકોના જેન્ડર, તેમની બેંક બ્રાન્ચની વિગતો, કસ્ટમર ઇન્ફોર્મેશન ફાઇલ (CIF) આઇડેન્ટિફાયર્સ, લીડ IDs અને લોનની અરજીઓ સાથે જોડાયેલા જરૂરી મેટાડેટા તેમજ અન્ય સંબંધિત રેકોર્ડ્સ સામેલ છે.
બેંકે હજુ સુધી આ ડેટા લીકના મુખ્ય સ્ત્રોત કે આ ઘટના પાછળના સાચા કારણોની પુષ્ટિ કરી નથી. બેંકનું કહેવું છે કે લીક થયેલા ડેટાનું વેરિફિકેશન કરવા, તેને સંપૂર્ણપણે કન્ફર્મ કરવા અને ગ્રાહકોને થનારા સંભવિત નાણાકીય તથા સાયબર જોખમોનું આકલન કરવા માટે હજુ વધુ તપાસની જરૂરિયાત રહેશે.
બેંકની સેવાઓ સંપૂર્ણપણે સુરક્ષિત
આ ઘટનાથી ચિંતિત ગ્રાહકોને રાહત આપતા SBIએ સ્પષ્ટ કર્યું છે કે આ શંકાસ્પદ ડેટા લીકની બેંકની કોર બેંકિંગ સેવાઓ પર કોઈ અસર પડી નથી. બેંકની તમામ ઓનલાઈન અને ઓફલાઈન સેવાઓ હંમેશાંની જેમ સામાન્ય રીતે કામ કરી રહી છે.
એલર્ટ મળ્યાની સાથે જ બેંકે પોતાની સાયબર ઇન્સિડન્ટ રિસ્પોન્સ ટીમને એક્ટિવ કરી દીધી છે અને પ્રભાવિત સિસ્ટમ્સને સુરક્ષિત કરવા માટે જરૂરી સુરક્ષા પગલાં લીધા છે. બેંક પરિસ્થિતિ પર સતત નજર જાળવી રહી છે અને તપાસ પૂરી થયા પછી કાનૂની તથા નિયમનકારી નિયમો અંતર્ગત આગળની યોગ્ય કાર્યવાહી કરશે. બેંકે આ ઘટના માટે જવાબદાર કોઈ બહારની વ્યક્તિ કે હૈકરનું નામ જાહેર કર્યું નથી.
SBIનો આ ખુલાસો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 19 ઓક્ટોબરે પોસ્ટ કરવામાં આવેલા એક રિપોર્ટ પછી સામે આવ્યો છે. જેમાં SBIના ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, ડાર્ક વેબના એક ફોરમ BreachForums પર Siriusim નામના એક અજાણ્યા હેકર ગ્રુપે દાવો કર્યો હતો કે તેણે SBIના લગભગ 3.75 લાખ ગ્રાહકોનો ડેટા ચોરી કરી લીધો છે. જોકે, SBIએ પોતાની તપાસ પછી સ્પષ્ટ કર્યું છે કે માત્ર 3,897 ગ્રાહકોનો ડેટા જ પ્રભાવિત થયો છે અને બેંકે આ ઘટના માટે સત્તાવાર રીતે આ હૈકર ગ્રુપને જવાબદાર ઠેરવ્યું નથી.
