
પાટણ જિલ્લામાં જાણે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ છેલ્લા 1.5 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાટણ શહેરની સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે પાટણથી ઊંઝા અને સિદ્ધપુર તરફ જતા હાઇવે પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ ઉપરાંત, નવજીવન ચોકડીથી પાટણ-ચાણસ્મા હાઈવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. હાઇવે પર ગોઠણસમા પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.
શહેરમાં વરસાદની સૌથી મોટી અસર પાટણ શહેરના 1st રેલવે ગરનાળા પર જોવા મળી રહી છે. સામાન્ય કે વધુ વરસાદ પડે એટલે આ ગરનાળામાં પાણી ભરાવવાની સમસ્યા કાયમી બની ગઈ છે. આજે પણ ધોધમાર વરસાદના કારણે ગરનાળામાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોની સુરક્ષા માટે તેને બંધ કરવાની ફરજ પડી છે. વારંવાર રસ્તો બંધ થઈ જવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ગરનાળાનો રસ્તો બંધ થવાથી APMC અને એસપી (SP) કચેરી સહિતના વિસ્તારો તરફ જવાનો મુખ્ય માર્ગ સદંતર બંધ થઈ ગયો છે. આટલું જ નહીં, પાટણ શહેરમાંથી હાઇવે તરફ જવાનો રસ્તો પણ ખોરવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
સ્થાનિક લોકો માટે આ કોઈ નવી વાત નથી, દર ચોમાસામાં જ્યારે પણ વરસાદ પડે ત્યારે ગરનાળાનો માર્ગ પાણી ભરાવાને કારણે બંધ થઈ જ જાય છે. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા અહીંથી પાણીના નિકાલ માટે કોઈ જ પ્રકારની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે સામાન્ય જનતાએ હેરાન થવું પડે છે. હાલમાં જ્યારે ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે અને રસ્તો બંધ છે, ત્યારે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા ગરનાળાની બંને બાજુએ તાત્કાલિક બેરીકેટ મૂકીને માર્ગને વિધિવત રીતે સુરક્ષિત કરીને બંધ કરવો જોઈએ તેવી લોકોની માંગ છે.
