Site icon Time News

કાંકરિયા કાર્નિવલના પ્રથમ ચાર દિવસ દરમિયાન 5 લાખ 17 હજારથી વધુ નાગરિકો અને પ્રવાસીઓએ કાંકરિયા કાર્નિવલ પરિસરની મુલાકાત લીધી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025નો ભવ્ય પ્રારંભ તા. 25 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયો હતો. આ કાંકરિયા કાર્નિવલના પ્રથમ ચાર દિવસ દરમિયાન સવારના 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી 5 લાખ 17 હજારથી વધુ નાગરિકો અને પ્રવાસીઓએ કાંકરિયા કાર્નિવલ પરિસરની મુલાકાત લીધી હતી. કાંકરિયા કાર્નિવલના પ્રથમ દિવસ ગુરુવારે 1.31 લાખ, બીજો દિવસ શુક્રવારે 89 હજાર, ત્રીજો દિવસ શનિવારે 1.20 લાખ અને ચોથો દિવસ રવિવારે રેકોર્ડબ્રેક 2 લાખથી વધુ મુલાકાતીઓ ઉમટ્યા હતા, જે શહેરમાં કાર્નિવલ પ્રત્યેના ઉત્સાહને સ્પષ્ટ કરે છે.

આ કાર્નિવલ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત-નૃત્ય પ્રસ્તુતિઓ, ફૂડ ઝોન તેમજ બાળકો માટેની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કાંકરિયા પરિસરને ઉત્સવમય બનાવવામાં આવ્યું હતું. પરિવાર સાથે આવેલા નાગરિકો, યુવાનો અને પ્રવાસીઓએ મનોરંજન સાથે અમદાવાદની સંસ્કૃતિનો અનુભવ કર્યો હતો.

આટલી વિશાળ જનસંખ્યા વચ્ચે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુવ્યવસ્થિત અને સંકલિત આયોજન કરવામાં આવ્યું છે. ક્રાઉડ મેનેજમેન્ટ માટે પ્રવેશ-નિષ્ક્રમણની સ્પષ્ટ વ્યવસ્થા, બેરિકેડિંગ, સતત મોનિટરિંગ તેમજ તમામ સ્થળો પર અધિકારીઓની તૈનાતી કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ તથા અમદાવાદ પોલીસ દ્વારા સંયુક્ત રીતે ટ્રાફિક ડાયવર્ઝન, પાર્કિંગ અને માર્ગ નિયંત્રણ અમલમાં મૂકીને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક પ્રવાહ સુચારુ રાખવામાં આવ્યો છે.

કાંકરિયા પરિસરમાં પરિવાર સાથે આવેલા મુલાકાતીઓમાંથી કેટલાક બાળકો ભીડમાં છુટા પડી ગયાના બનાવો સામે આવ્યા હતા. આવા તમામ કિસ્સાઓમાં પોલીસ દ્વારા તાત્કાલિક અને સંવેદનશીલ રીતે કાર્યવાહી કરીને બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવારજનો સાથે મિલાવવાની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીમાં કાર્નિવલ દરમિયાન કાર્યરત વિશેષ કંટ્રોલ રૂમ મહત્વપૂર્ણ સાબિત થયો હતો. કંટ્રોલ રૂમ મારફતે મળતી માહિતીના આધારે સંબંધિત ટીમો ઝડપી કાર્યવાહી કરી શકી, જેના કારણે નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે.

નાગરિકોની સલામતી અને આરોગ્યને પ્રાથમિકતા આપતાં મેડિકલ ટીમો, એમ્બ્યુલન્સ, ફાયર અને ઇમર્જન્સી સેવાઓ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. સાથે જ સફાઈ, લાઇટિંગ, પીવાના પાણી, શૌચાલય અને માહિતી સહાય કેન્દ્રોની વ્યવસ્થા દ્વારા કોર્પોરેશનના તમામ વિભાગોએ સંકલિત રીતે કામગીરી કરી હતી.

કાંકરિયા કાર્નિવલ આજે માત્ર મનોરંજનનો ઉત્સવ નહીં પરંતુ અમદાવાદની સાંસ્કૃતિક ઓળખ, સામૂહિક આનંદ અને પર્યટન વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. ચાર દિવસમાં નોંધાયેલી વિશાળ હાજરી અને સુવ્યવસ્થિત આયોજનથી કાર્નિવલ પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધુ દૃઢ બન્યો છે અને આગામી દિવસોમાં પણ આ ઉત્સવને વિશાળ જનસમર્થન મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

Exit mobile version