
NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના મુદ્દે સંસદમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસ સહિતના અનેક વિપક્ષી સાંસદોએ કાળા કપડાં પહેરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષનો આરોપ છે કે સરકાર પેપર લીક જેવા ગંભીર મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા પ્રશ્નોને લઈને સંસદ પરિસરમાં સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી પણ કરવામાં આવી હતી.
દેશભરમાં NEET પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીકના આરોપો બાદ રાજકીય માહોલ ગરમાયો છે. સંસદના ચાલુ સત્ર દરમિયાન કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરવાની વ્યૂહરચના અપનાવી છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના અનેક સાંસદો કાળા કપડાંમાં સંસદ પહોંચ્યા હતા. અન્ય વિપક્ષી પક્ષોના નેતાઓ પણ આ વિરોધમાં જોડાયા હતા.
વિપક્ષી નેતાઓનું કહેવું છે કે પરીક્ષા પ્રણાલીમાં વારંવાર સામે આવતી ગેરરીતિઓને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. આ મુદ્દે સરકાર ગંભીરતા દાખવે અને પારદર્શક તપાસ કરે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. સાંસદોએ કહ્યું કે વિદ્યાર્થીઓમાં વધતી નિરાશા ચિંતાજનક છે.
વિરોધ માત્ર પેપર લીક સુધી મર્યાદિત નથી. વિદ્યાર્થીઓ અને વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીને લઈને પણ વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સૈયદ નસીર હુસૈને જણાવ્યું કે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાને બદલે બળપ્રયોગ કરવામાં આવ્યો છે, જે યોગ્ય નથી.વિપક્ષી નેતાઓએ સરકારને અપીલ કરી છે કે તે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કરે. શિક્ષણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે લાંબા ગાળાના સુધારા લાવવાની જરૂર હોવાનું પણ તેઓએ જણાવ્યું. માત્ર નિવેદનોથી નહીં પરંતુ નીતિગત ફેરફારોથી સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ તેવી માંગ કરવામાં આવી.
લાઠીચાર્જ મુદ્દે પણ સવાલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીએ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જને લઈને કડક પ્રતિક્રિયા આપી. તેમણે આરોપ લગાવ્યો કે વિરોધને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. લોકશાહી દેશમાં વિદ્યાર્થીઓની વાત સાંભળવાને બદલે બળપ્રયોગ કરવો ચિંતાજનક હોવાનું તેમણે કહ્યું.
