
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. માર્યા ગયેલા લોકોની લિસ્ટમાં મસૂદ અઝહરના ભાઈ અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી રઉફ અસગરના પુત્ર હુઝૈફા પણ સામેલ છે. માહિતી અનુસાર, રઉફ અસગરના ભાઈની પત્ની પણ મૃત્યુ પામી છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર, ભારતે મસૂદ અઝહરના ઘર પર હુમલો કર્યો છે, જેમાં 14 લોકોનાં મોત થયા છે. મસૂદ અઝહરે આ અંગે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. તેણે કહ્યું છે કે મારા પરિવારના 14 લોકો મૃત્યુ પામ્યા છે.
મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. મસૂદને ભારત માટે સૌથી ખતરનાક આતંકવાદીઓમાંથી એક માનવામાં આવે છે. મસૂદ અઝહરની 1999માં ઇન્ડિયન એરલાઇન્સના વિમાનને હાઇજેક કરવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં બંધકોને મુક્ત કરવાના બદલામાં તેને છોડી દેવામાં આવ્યો હતો. ત્યારથી, તે પાકિસ્તાનમાં છુપાઈને અનેક મોટા આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યો છે.મસૂદ અઝહરના નેતૃત્વ હેઠળ જૈશ-એ-મોહમ્મદે 2001માં ભારતીય સંસદ પર હુમલો કર્યો, 2000માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર હુમલો કર્યો, 2016માં પઠાણકોટ એરબેઝ પર હુમલો કર્યો અને 2019માં પુલવામામાં આત્મઘાતી હુમલો જેવી ઘણી મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો.
‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, ભારતીય સેનાએ મસૂદ અઝહરના આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કર્યો, જેમાં બહાવલપુરમાં તેનું મદરેસા અને જૈશનું મુખ્યાલય સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું. આ હુમલો 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો, Operation Sindoor: અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી, ભારતના હુમલાનો જવાબ આપવાનો વિચાર પણ ન કરે
