
મેટ્રોસિટી અમદાવાદમાં ફરી એકવાર ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વાસ્તવમાં શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં પલ્લવ ચાર રસ્તા પાસે શુક્રવારે બપોરે ડીપીએસ (DPS) સ્કૂલની બસે ઇલેક્ટ્રિક મોપેડ પર જઈ રહેલા યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માત બાદ વિસ્તારમાં ભારે અરાજકતા ફેલાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા. આ તરફ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, અકસ્માત બાદ બસનો ડ્રાઇવર અને કંડકટર બસ તેમજ તેમાં બેઠેલા બાળકોને સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ બપોરે અંદાજે 2:15 વાગ્યે યુવક પોતાના મોપેડ પર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન સ્કૂલ બસ સાથે અકસ્માત સર્જાતા યુવક બસની નીચે આવી ગયો હતો, જેના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
આ તરફ અકસ્માત બાદ બસનો ડ્રાઇવર અને કંડકટર બસ તેમજ તેમાં બેઠેલા બાળકોને સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ સ્થાનિક લોકોની મદદથી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.
પોલીસે મૃતક યુવકની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને તેના પરિવારજનોનો સંપર્ક કરવાની તજવીજ શરૂ કરી છે. સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કોઈ બેદરકારી હતી કે નહીં તે સહિતના તમામ પાસાઓની તપાસ પોલીસે શરૂ કરી છે.
