
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીનો મોટો પર્દાફાશ કરતાં એક મુસાફરની ધરપકડ કરી છે. આરોપી શારજાહથી અમદાવાદ આવ્યો હતો અને તેની પાસેથી અંદાજે 60 લાખ રૂપિયાની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
માહિતી અનુસાર, શંકાસ્પદ હલચલને આધારે કસ્ટમ અધિકારીઓએ મુસાફરની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ સોનાને ખાસ પ્રકારના હૂકના આકારમાં તૈયાર કરીને છુપાવ્યું હતું, જેથી સુરક્ષા તપાસમાં તે ઝડપાઈ ન જાય.કસ્ટમ વિભાગે જપ્ત કરાયેલા સોનાને કબજે લઈ આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સોનાની દાણચોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાણ હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અધિકારીઓએ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સોનું ક્યાંથી લાવવામાં આવ્યું હતું તેમજ તેની ડિલિવરી કોને થવાની હતી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કસ્ટમ વિભાગના જણાવ્યા મુજબ, એરપોર્ટ પર દાણચોરી અટકાવવા માટે સતત ચેકિંગ અને નજર રાખવામાં આવી રહી છે. આ કાર્યવાહીને કારણે દાણચોરો સામે કડક સંદેશો ગયો હોવાનું માનવામાં આવે છે.
