Site icon Time News

ભાદરવી પૂનમ મહામેળો: અંબાજી તરફ જતા રસ્તાઓ પર માનવ મહેરામણ, પદયાત્રીઓમાં ભારે ઉત્સાહ

ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજીની ધરતી પર જાણે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે…કોઈ માઈના દર્શન માટે પગપાળા દોડી રહ્યું છે…તો કોઈ માથા પર ધજા લઈને માતાના ધામ તરફ આગળ વધી રહ્યું છે…કિલોમીટરોની સફર… થાકેલા પગ… છતાં ચહેરા પર એક જ ભાવ—માડીના દર્શન કરવા છે…! અંબાજીના માર્ગો પર ઉમટેલા આ માનવ મહેરામણની સાથે સેવાભાવનો પણ અનોખો સંગમ જોવા મળી રહ્યો છે…પદયાત્રીઓ માટે ઠેર-ઠેર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે…એટલે કે, અંબાજીમાં અત્યારે માત્ર મેળો નહીં… આસ્થા, ભક્તિ અને સેવાનો મહાકુંભ જામ્યો છે….જોઈએ અંબાજીના મેળાને લઈ આ ખાસ અહેવાલ….

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને આસ્થા અને ભક્તિનો મહાસાગર છલકાયો છે…અંબાજી તરફ જતા માર્ગો પર ચારેકોર માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે… માથે માતાજીની ધજા અને મુખે માત્ર એક જ નાદ… બોલ માડી અંબે… જય જય અંબે… ભક્તોના જયઘોષથી સમગ્ર માર્ગો ગુંજી ઉઠ્યા છે.દૂર દૂરથી મોટી સંખ્યામાં માઈભક્તો પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે….કોઈ માથે ધજા લઈને તો કોઈ માતાજીના નામનો જયઘોષ કરતા ભક્તિના રંગે રંગાઈને આગળ વધી રહ્યા છે…પગપાળા યાત્રિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે….રસ્તામાં ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભક્તોની સેવા કરવામાં આવી રહી છે.

ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાળુઓની આસ્થાની સાથે સેવાભાવનો પણ અનોખો સંગમ જોવા મળી રહ્યો છે..દાંતાના રતનપુર ખાતે શરૂ થયેલા જય જલિયાણ સેવા કેમ્પમાં 250 જેટલા સ્વયંસેવકો 24 કલાક માઈભક્તોની સેવામાં ખડેપગે છે..50 હજાર ચોરસ ફૂટના વિશાળ સામિયાણામાં એકસાથે હજારો શ્રદ્ધાળુઓ માટે ભોજન, વિરામ અને પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે…ગરમાગરમ પ્રસાદથી લઈને થાક ઉતારવા માટે આરામની સુવિધા સુધીની તમામ વ્યવસ્થા અહીં જોવા મળી રહી છે… એટલે જ 19 વર્ષથી ચાલી આવતી આ સેવાયાત્રા હવે ભક્તો માટે રાહતનું મોટું કેન્દ્ર બની છે.

અહીં સેવા માત્ર પેટ ભરવા પૂરતી નથી….ભોજનમાં સ્વાદ અને ગુણવત્તાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વીરપુરના જલારામ બાપાની પરંપરાથી પ્રેરિત શુદ્ધ ઘીની બુંદી-ગાંઠિયા, ખીચડી-કઢી, શાક-રોટલી સહિતની પ્રસાદી ભક્તોને પીરસવામાં આવે છે.

ભાદરવી પૂનમના મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત અહીં એસી ડોમની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે….હજારો પદયાત્રીઓ આ ઠંડકભર્યા ડોમમાં થોડો સમય આરામ કરીને ફરી અંબાજી તરફ આગળ વધી રહ્યા છે…એટલું જ નહીં, થાકેલા યાત્રિકોના મનને હળવું કરવા માટે રાસ-ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે….કેમ્પમાં તબીબી સુવિધા, આરામની જગ્યા અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે.

ભક્તો ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના જયઘોષ કરતા અંબાજી મંદિર તરફ આગળ વધી રહ્યા છે. અંબાજીના માર્ગો અને મંદિર પરિસરમાં માતાજીના દર્શનને લઈ તંત્રની વ્યવસ્થાથી ભક્તો ખુશ છે અને તેમની સરાહના કરી રહ્યા છે.

Exit mobile version