
નેપાળમાં તબાહીના દ્રશ્યો વચ્ચે આણંદના આ પરિવારની ચિંતા દરેક પસાર થતી ક્ષણ સાથે વધી રહી છે. મૂળ આણંદના અને છેલ્લા 11 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા 46 વર્ષીય બીમલ પટેલ, તેમની પત્ની જૈમિનીબેન અને 12 વર્ષનો પુત્ર થોડા દિવસો પહેલાં ભારત આવ્યા હતા. ભારત આવ્યા બાદ 12 વર્ષના પુત્રને આણંદમાં પોતાના ભાઈ ધર્મેન્દ્ર પટેલના ઘરે મૂક્યો.
16 ઓગસ્ટે બીમલ પટેલ અને જૈમિનીબેન રાજકોટના એક એજન્ટ મારફતે નેપાળ પ્રવાસે નીકળ્યા. શરૂઆતમાં તો યાત્રા એકદમ સામાન્ય હતી. પરંતુ નેપાળમાં કુદરતે અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આ પરિવાર માટે ખુશીની યાત્રા ચિંતામાં ફેરવાઈ ગઈ.
છેલ્લે બીમલ પટેલે રવિવારે નેપાળના પશુપતિનાથ મંદિરમાંથી પોતાના ભાઈ અને બહેનો સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. પરિવાર સાથે વાત કરી અને વીડિયો કોલમાં મંદિરના દર્શન પણ કરાવ્યા. કદાચ ત્યારે પરિવારને પણ ખબર નહોતી કે આ તેમની છેલ્લી વાતચીત બની શકે છે.
બીમલ પટેલે પરિવારને જણાવ્યું હતું કે, તેઓ કૈલાશ માનસરોવર યાત્રા માટે ચીન બોર્ડર નજીક આવેલી ઇમિગ્રેશન કચેરીમાં પ્રક્રિયા માટે ઊભા છે. ત્યાર બાદ અચાનક સંપર્ક તૂટી ગયો. બીમલ પટેલ અને જૈમિનીબેન ક્યાં છે? પૂરની ભયાનક સ્થિતિ વચ્ચે બંનેનો સંપર્ક ન થતાં આણંદમાં પરિવારજનોની ચિંતા ચરમસીમાએ પહોંચી છે.
રાજકોટના એજન્ટે સમગ્ર ઘટનાની જાણ બીમલ પટેલના મોટા ભાઈ ધર્મેન્દ્ર પટેલને કરી અને ત્યારથી પરિવારજનો એક પછી એક તમામ સ્તરે સંપર્ક કરી રહ્યા છે. ધારાસભ્યને રજૂઆત, સાંસદને રજૂઆત, જિલ્લા કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરી છે.
આણંદમાં પરિવાર પોતાના બે સ્વજનોની રાહ જોઈ રહ્યો છે અને 12 વર્ષનો પુત્ર જે માતા-પિતા સાથે ભારત આવ્યો હતો. તે પણ હવે પોતાના માતા-પિતાની સુરક્ષિત વાપસીની રાહ જોઈ રહ્યો છે. પરિવારના દરેક સભ્યની નજર હવે ફોન પર છે. ક્યારે કોઈ કોલ આવે, ક્યારે કોઈ સારા સમાચાર મળે અને ક્યારે કહેવામાં આવે કે બીમલ પટેલ અને જૈમિનીબેન સુરક્ષિત છે.
