
સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 14 ઈંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે ઉધના, લિંબાયત, સચિન, પર્વત પાટિયા, વરાછા અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પર ગંભીર અસર પડી છે.ભારે વરસાદને કારણે સર્જાયેલા અકસ્માતોમાં છેલ્લા બે દિવસ દરમિયાન કુલ 9 લોકોના મોત થયા છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શનમાં આવ્યું છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર બચાવ અને રાહત કામગીરી માટે 3 NDRF અને 4 SDRF ટીમોને તહેનાત કરવામાં આવી છે. ટીમોએ આખી રાત બચાવ કામગીરી ચલાવીને અનેક વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.
જિલ્લા તંત્રના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં અંદાજે 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે અને એટલા જ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાયા છે. તમામ લોકોને કોમ્યુનિટી હોલમાં રાખીને રહેવા, ભોજન અને અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ભારે વરસાદને કારણે સર્જાયેલા અકસ્માતોમાં છેલ્લા બે દિવસ દરમિયાન કુલ 9 લોકોના મોત થયા છે. જેમાં ઝાડ પડવાની ઘટનામાં 2 લોકો, વીજ કરંટ લાગવાથી 4 લોકો, સચિન GIDC વિસ્તારમાં 2 લોકો અને કામરેજમાં એક વ્યક્તિ ખાડીમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યા હોવાનું જિલ્લા તંત્રે જણાવ્યું છે. ઉપરાંત 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. આજે પણ લિંબાયત, ઉધના, પર્વત ગામ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
હાલ સુરત જિલ્લા કલેક્ટર કચેરી અને સુરત મહાનગરપાલિકા સંકલન કરીને રાહત અને બચાવ કામગીરી ચલાવી રહ્યા છે. તંત્રે નાગરિકોને જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરી છે.
દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે તાપી જિલ્લામાં પણ તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ સુરતમાં કાપડ બજારથી લઈને વેપારી વિસ્તારો સુધી પાણી ઘૂસતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સતત વરસાદને કારણે સુરતમાં છેલ્લા 36 કલાકમાં 18 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે અને શહેરમાં 85 વર્ષનો વરસાદનો રેકોર્ડ પણ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે
