
સામાન્ય રીતે અમદાવાદના બજારમાં ખરીદી કર્યા બાદ ગ્રાહકના હાથમાં રોકડ હોય કે ન હોય, મોબાઇલથી QR કોડ સ્કેન કરીને સેકન્ડોમાં પેમેન્ટ થઈ જાય છે. પરંતુ આજે એટલે કે 2 ઓક્ટોબરે અમદાવાદ સહિત ગુજરાતના અનેક બજારોમાં આ દૃશ્ય બદલાયેલું જોવા મળી શકે છે. વેપારીઓએ UPI પેમેન્ટનો વિરોધ નોંધાવવા માટે QR કોડને કાળા કપડાથી ઢાંકવાનો નિર્ણય લીધો છે. આ સાથે આજે વેપારીઓ ગ્રાહકો પાસેથી UPI દ્વારા પેમેન્ટ સ્વીકારશે નહીં.
MDR ચાર્જ લાગુ કરવાના નિર્ણયના વિરોધમાં ગુજરાતના વેપારી સંગઠનો દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વેપારીઓએ આજના દિવસને ‘NO UPI DAY’ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં 600થી વધુ ટ્રેડ યુનિયન આ વિરોધમાં જોડાશે. અગાઉ જાહેર થયેલી માહિતી મુજબ, રાજ્યના શહેરો ઉપરાંત નાના શહેરો અને ગામડાંના વેપારી સંગઠનો પણ આ વિરોધમાં ભાગ લેવાના છે.
વિરોધના ભાગરૂપે વેપારીઓ પોતાની દુકાનોમાં લગાવવામાં આવેલા UPI QR કોડ અને અન્ય ડિજિટલ પેમેન્ટના સાધનોને કાળા કપડાથી ઢાંકશે. આ રીતે વેપારીઓ MDR ચાર્જ સામે પોતાનો વિરોધ નોંધાવશે. અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વેપારી સંગઠનો દ્વારા આ અભિયાનમાં જોડાવા માટે વેપારીઓને અપીલ કરવામાં આવી છે. આજે જે વેપારીઓ વિરોધમાં જોડાશે તેઓ UPIથી પેમેન્ટ સ્વીકારશે નહીં. એટલે ગ્રાહકોને ખરીદી કરવા માટે રોકડ અથવા અન્ય ઉપલબ્ધ પેમેન્ટ વિકલ્પનો ઉપયોગ કરવો પડી શકે છે. ખાસ કરીને એવા વેપારીઓ કે જ્યાં સામાન્ય રીતે UPIથી મોટી રકમના વ્યવહારો થતા હોય, ત્યાં આ વિરોધની સીધી અસર જોવા મળી શકે છે.
