
ગીર અને ગ્રેટર ગીર વિસ્તારમાં છેલ્લા ૪૫ દિવસમાં માનવ-સિંહ સંઘર્ષના ૧૦ બનાવો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે સિંહોનાં રહેઠાણ અને પર્યાવરણના સંરક્ષણ માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે ગીર વિસ્તારમાં નવા રિસોર્ટ અથવા હોટેલને કોઈ નવી મંજૂરી આપવામાં નહીં આવે. સાથે જ ગેરકાયદે રિસોર્ટ, અનિયંત્રિત પ્રવાસન અને અભયારણ્ય માર્ગો પરની બિનનિયંત્રિત અવરજવર સામે પણ કડક કાર્યવાહી હાથ ધરાશે.
વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગીર વિસ્તારમાં પર્યટન માટેની માળખાકીય સુવિધાઓની વ્યાપક સમીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી નવા રિસોર્ટ કે હોટેલને મંજૂરી આપવામાં આવશે નહીં. હોમસ્ટેના નામે શરૂ થઈ બાદમાં વ્યાવસાયિક રિસોર્ટમાં ફેરવાઈ ગયેલી અનેક મિલકતના કારણે સિંહનાં સંવેદનશીલ રહેઠાણ પર દબાણ વધી રહ્યું છે.
વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ગીર અને ગ્રેટર ગીર વિસ્તારમાં કોઈ નવા રિસોર્ટ કે હોટેલને મંજૂરી આપવામાં આવશે નહીં. જે એકમો પરવાનગી વિના કાર્યરત છે, તેમને બંધ કરીને તેમનાં ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં આવા ગેરકાયદે એકમોની ઓળખ માટે વિશેષ સર્વે હાથ ધરાશે. ખાસ કરીને ધારી-તુલશીશ્યામ કોરિડોર પર વન વિભાગની વિશેષ નજર રહેશે. આ વિસ્તારમાં આશરે ૩૦ જેટલા રિસોર્ટ ઊભા થયા હોવાનું સામે આવ્યું છે. દીવ જતાં પ્રવાસીઓ માટે આ માર્ગ લોકપ્રિય હોવાથી સફારી વિસ્તારની બહાર સિંહને જોવા વાહનો રોકવાની ઘટનાઓ પણ વધી રહી છે.
અધિકારીઓના અંદાજ મુજબ તાલાલા, સાસણ અને મેંદરડા વિસ્તારમાં મળીને લગભગ ૫૫૦ હોમસ્ટે કાર્યરત છે, જે મુખ્યત્વે ગીરના પ્રવાસીઓને સેવાઓ આપે છે. તેમાંના કેટલાક હોમસ્ટેને શરૂઆતમાં મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તેઓ સંપૂર્ણ વ્યાવસાયિક રિસોર્ટમાં ફેરવાઈ ગયા હોવાનું અને મંજૂરીની શરતોનું ઉલ્લંઘન થયું હોવાનું વન વિભાગનું કહેવું છે.
વન વિભાગે જણાવ્યું કે ધારીમાં એક હોમસ્ટેનું લાઇસન્સ રદ કર્યા છતાં તે હજુ કાર્યરત છે. વધુમાં, ગેરકાયદે જાહેર થયા બાદ પણ તે જ મિલકત સુધી જંગલની જમીનમાંથી રસ્તાનો અધિકાર આપવા અંગેનો પ્રસ્તાવ મોકલાયો હતો.
સરકાર હવે અભ્યારણ્યના આંતરિક માર્ગો પર વાહન વ્યવહાર ઉપર વધુ કડક નિયંત્રણ લાવવાની તૈયારીમાં છે. સ્થાનિકો અને જાહેર પરિવહન માટે રસ્તા ખુલ્લા રહેશે, પરંતુ પ્રવાસીઓ દ્વારા સિંહોની શોધમાં વાહનો રોકવાની પ્રવૃત્તિ અટકાવવા ચેકપોસ્ટ પર દેખરેખ વધારાશે અને ટેક્નોલોજી આધારિત મોનિટરિંગ અમલમાં મૂકાશે.
સાસણ-તાલાલા માર્ગ પર પહેલેથી જ વાહનોની ગતિ પર નજર રાખતી સિસ્ટમ કાર્યરત છે, જેમાં ૩૦ કિમી પ્રતિ કલાકની મર્યાદા વટાવતા વાહનો અંગે એલર્ટ મળે છે. હવે લાંબા સમય સુધી વાહન ઊભું રહે તો તેની પણ ઓળખ થઈ શકે તેવી વ્યવસ્થા વિકસાવવાની તૈયારી છે.
વન વિભાગ ગીર વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળોએ આવતા યાત્રાળુઓની સંખ્યાને પણ નિયંત્રિત કરવાની યોજના પર વિચાર કરી રહ્યું છે. પ્રસ્તાવ મુજબ પીક સિઝનમાં મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત રાખવી, જૂથોમાં પ્રવેશ આપવો અને પ્રશિક્ષિત ટ્રેકરોની સાથે જ યાત્રા કરવાની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી શકે છે, જેથી સિંહોના રહેઠાણમાં માનવીય દખલ ઓછો થાય.
