
ઉત્તર પ્રદેશની લખનૌ હાઈકોર્ટ બેન્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની બેવડી નાગરિકતાના કેસમાં એફઆઈઆર (FIR) નોંધવાના આદેશ પર સ્ટે મૂક્યો છે. હાઈકોર્ટે એક દિવસ પહેલા જ સાંસદ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો, પરંતુ હવે કોર્ટે પોતાના જ આદેશ પર રોક લગાવી દીધી છે. બેવડી નાગરિકતા સાથે જોડાયેલા આ મામલામાં કોર્ટે શનિવારે વેબસાઇટ પર જાહેર કરેલા આદેશમાં આ માહિતી આપી છે.
હાઈકોર્ટ દ્વારા આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીના બેવડી નાગરિકતાના કેસમાં શુક્રવાર, 17 એપ્રિલ ના રોજ સુનાવણી થઈ હતી. જેમાં અરજદાર સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વકીલોને પૂછવામાં આવ્યું હતું કે શું રાહુલ ગાંધીને નોટિસ પાઠવવાની જરૂર છે? વકીલોએ નોટિસ પાઠવવાની કોઈ જરૂર નથી તેમ જણાવ્યું હતું. ત્યારબાદ એફઆઈઆર નોંધવાનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો.
જોકે, આદેશ ટાઈપ થાય તે પહેલા જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીએ ફરીથી ચુકાદાની સમીક્ષા કરી હતી. તેમણે જોયું કે અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ 2014ના એક ચુકાદામાં કહ્યું હતું કે એફઆઈઆર નોંધવાની માંગ કરતી અરજીઓ ફગાવી દેવામાં આવે ત્યારે રિવિઝન પિટિશન જ ટકી શકે છે. આવા કિસ્સાઓમાં પ્રસ્તાવિત આરોપીને નોટિસ મોકલવી જરૂરી છે.
મામલાની ગંભીરતાને જોતા હાઈકોર્ટે કહ્યું કે રાહુલ ગાંધીને નોટિસ પાઠવ્યા વિના નિર્ણય લેવો ઉચિત નથી. કોર્ટે આ કેસની આગામી સુનાવણી માટે 20 એપ્રિલ ની તારીખ નક્કી કરી છે. હાઈકોર્ટમાં આ અરજી કર્ણાટકના રહેવાસી એસ. વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે રાહુલ ગાંધી પર ભારતીય ન્યાય સંહિતા, સત્તાવાર ગોપનીયતા અધિનિયમ, વિદેશી અધિનિયમ અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગંભીર આક્ષેપો કર્યા છે. બીજી તરફ, કોર્ટનો આ નિર્ણય આવ્યા બાદ અરજદાર વિગ્નેશ શિશિરે કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્ણય પાછો ખેંચવાની ફરિયાદ અમે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ને કરીશું.
